સુરતના લોકો પર વેરા વધારા પર લોકોના અભિપ્રાય જાણવા માટે AAP જાહેર કરશે વોટ્સએપ નંબર

AAP to announce WhatsApp number to know people's opinion on tax increase on people of Surat
મનપા (SMC) વહીવટી તંત્ર દ્વારા ભાજપ(BJP) શાસકોની દોરવણી હેઠળ વર્ષ 2022-23ના ડ્રાફટ બજેટમાં (Budget) શહેરીજનો ૫૨ યુઝર્સ ચાર્જ અને મિલકત વેરામાં વૃદ્ધિ કરી 307 કરોડનો કમ્મરતોડ બોઝો ઝીંક્યો છે. શહેરની જનતાએ ભાજપને વિધાનસભા ચૂંટણીમાં ખોબા ભરીને મતો આપ્યા, શહેરની તમામ 12 વિધાનસભા બેઠકો પર મતદારોએ ભાજપને આપી છે. ભાજપ ૫૨ નગરજનોએ મુકેલા વિશ્વાસને ભાજપ શાસકોએ તોડી નાંખ્યો છે. ભાજપ શાસકોના સંકલન અને દોરવણી હેઠળ જ વિકાસ કામો માટે જરૂરી ફંડની અનિવાર્યતાના નામે 307 કરોડનું વધારાનું ભારણ નગરજનો ૫૨ નાંખવામાં આવ્યું છે. પ્રજાજનો પર થઈ રહેલ આ અન્યાયનો આમ આદમી પાર્ટીએ વિરોધ કર્યો છે તથા આ અંગે પ્રજા પાસેથી અભિપ્રાય મેળવી લડત આપવાની જાહેરાત આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી છે.
મનપાના વિપક્ષી નેતા તથા ઉપનેતા જણાવ્યું કે, વર્ષ2022-23ના બજેટમાં રાજ્ય-કેન્દ્ર સરકારની વિવિધ યોજનાની ગ્રાન્ટને આધારે બજેટમાં સુચવવામાં આવેલ પ્રોજેક્ટો પૈકી ગ્રાન્ટના અભાવે માત્ર 33 ટકા પ્રોજેક્ટોની કામગીરી શરૂ થઈ શકી છે અને અન્ય કામો માત્ર કાગળ પર રહ્યા છે. 2756 કરોડ રાજ્ય-કેન્દ્ર સરકારની ગ્રાન્ટની અપેક્ષા સામે મનપાને માત્ર 1500 કરોડની ગ્રાંટ હજી મળી છે. કેન્દ્ર અને રાજ્યમાં ભાજપની સરકાર હોવા છતાં સ્થાનિક ધારાસભ્યો, સાંસદો, સરકારમાંથી ગ્રાન્ટ લાવવાના મુદ્દે વામણાં સાબિત થઈ રહ્યા છે.
ઓક્ટ્રોયની અવેજમાં આપવામાં આવતી ગ્રાન્ટમાં વધારો વર્ષોથી થયો નથી. સરકારમાંથી ગ્રાન્ટ લાવવામાં નિષ્ફળ ભાજપ શાસકો શહેરમાં વિકાસ કામો માટે જરૂરી ફંડ ઉભું કરવા નગરજનો પર અન્યાય એ રીતે ભારણ વધારી રહ્યું છે. જે સાંખી શકાય નહીં. પ્રજા પર પડનારા આ વધારાના બોજાના વિરોધમાં આપ દ્વારા સીધો જ પ્રજાનો સંપર્ક સાધવામાં આવશે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં જન સંપર્ક કાર્યક્રમ હાથ ધરાશે તથા એક વોટ્સએપ નંબર જાહેર કરીને બજેટ અંગે લોકોના અભિપ્રાય મેળવવામાં આવશે તથા મનપાના જવાબદારોને સુપરત કરાશે.