Surat: હડતાળને પગલે કાળઝાળ ગરમીમાં શહેરીજનોને હાલાકી: વેતન મુદ્દે પાલનપોર ડેપોમાં 140 બસ ચાલકોની વિજળીક હડતાળ

સુરત પાલિકાની બસ ઓપરેટર કંપનીનો વધુ એક વિવાદ : પગાર મુદ્દે 140થી વધુ ડ્રાઈવરોની હડતાળ, 100થી વધુ બસના પૈડા થંભી ગયાં

સુરત પાલિકાની બસ ઓપરેટર કંપનીનો વધુ એક વિવાદ : પગાર મુદ્દે 140થી વધુ ડ્રાઈવરોની હડતાળ, 100થી વધુ બસના પૈડા થંભી ગયાં

સુરત મહાનગર પાલિકા સંચાલિત બીઆરટીએસ બસની એજન્સીઓ દ્વારા બસ ચાલકોના શોષણને મુદ્દે છાશવારે વિવાદ સર્જાય છે. આજે વધુ એક વખત પાલનપોર ડેપોના ચાલકો દ્વારા નિયમિત પગાર સહિત શોષણ મુદ્દે ભારે વિરોધ સાથે વિજળીક હડતાળ પાડતાં બસોના પૈંડા થંભી ગયા હતા. જેને પગલે કાળઝાળ ગરમીમાં શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. બીજી તરફ એજન્સી દ્વારા હંગામી ધોરણે ડ્રાઈવરોની વ્યવસ્થા કરીને જેમ તેમ બસો રસ્તા પર દોડાવવા માટેની કવાયત હાથ ધરી હતી.

સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર પાલનપોર બસ ડેપો ખાતે આજે સવારેથી જ 140 જેટલા બસ ચાલકો દ્વારા હડતાળ પાડવામાં આવી હતી. ચાલકોએ ભારે રોષ સાથે જણાવ્યું હતું કે, એજન્સી દ્વારા તેઓને નિયમિત પગાર ચુકવવામાં આવતો નથી. આ સિવાય 26 દિવસના 22,500 રૂપિયા પગાર લેખે એક દિવસના 865 રૂપિયાની હાજરી થાય છે. જો કે, એજન્સી દ્વારા માત્ર 600 રૂપિયા ચુકવવામાં આવી રહ્યા છે. આ સ્થિતિને પગલે છેલ્લા ઘણા સમયથી બસ ચાલકો દ્વારા રજુઆત કરવામાં આવી હોવા છતાં એજન્સીના સંચાલકો દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હતા.

આજે અચાનક બસ ચાલકો દ્વારા હડતાળનું શસ્ત્ર ઉગામતાં એજન્સીના સંચાલકો પણ દોડતાં થઈ ગયા હતા. બસ ચાલકોએ વધુમાં જણાવ્યું હતું કે, મોટા ભાગના બસ ચાલકો ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવતાં હોવાને કારણે તેઓનું આર્થિક શોષણ કરવામાં આવી રહ્યું છે. જ્યાં સુધી વેતનની સમસ્યાનું સમાધાન નહીં કરવામાં આવે ત્યાં સુધી હડતાળ યથાવત રાખવા અંગેની ચીમકી પણ ચાલકો દ્વારા ઉચ્ચારવામાં આવી હતી.

બીજી તરફ એજન્સી દ્વારા લાયસન્સ વિના જ ચાલકો સાથે બસ રવાના કરવામાં આવી હોવાનો આક્ષેપ પણ હડતાળ પર ઉતરેલા ચાલકોએ કર્યો હતો. આ દરમિયાન 100થી વધુ બસોના પૈંડા થંભી જતાં હજારો શહેરીજનો ભરઉનાળામાં કાળઝાળ ગરમીમાં ભારે હેરાનગતિનો સામનો કરી રહેલા નજરે પડ્યા હતા. 

Please follow and like us: