અડાજણમાં વિઝા આપવવાના બહાને છ લોકો સાથે 46.25 લાખની છેતરપિંડી
અડાજણ(Adajan) મધુવન સર્કલ પાસે વેસ્ટર્ન અરેનામાં સ્પેક્ટ્ ઓવરસીઝ એજ્યુકેશન નામથી વીઝા કન્સલ્ટન્સીની ઓફિસ ખોલી વિદેશ જવા માંગતા 171 લોકો પાસેથી વિઝા અપાવવાને બહાને રૂપિયા 13 કરોડ પડાવી લીધા બાદ ઓફિસને તાળા મારી ઉઠમણું કરનાર સંદિપ કાપડીયાની ક્રાઈમ બ્રાન્ચની ઈકો સેલની ટીમે ધરપકડ કર્યા બાદ ગતરોજ સંદિપ કાપ઼ડીયા સામે અડાજણમાં છ લોકો પાસેથી વિઝા અપાવવાને બહાને રૂપિયા 46.25 લાખ પડાવી છેતરપિંડી કરી હોવાની વધુ એક ફરિયાદ નોંધાઈ છે.
અડાજણ પોલીસના જણાવ્યા મુજબ વડોદરા જુના પાદરા રોડ દિવાળીપુરા નિધિ ટાઉનશીપમાં રહેતા જિજ્ઞેશકુમાર રમણીકલાલ વાળાએ ગતરોજ અડાજણ મધુવન સર્કલ પાસે વેસ્ટર્ન અરેનામાં સ્પેક્ટ્ ઓવરસીઝ એજ્યુકેશન નામથી વીઝા કન્સલ્ટન્સીની ઓફિસ ધરાવતા સંદિપ જીતેન્દ્ર કાપડીયા સામે ફરિયાદ નોધાવી છે.
જેમાં તેઓએ જણાવ્યું હતું કે આરોપીએ તેની, તેના સંબંધી તેમજગ્રૂપના સભ્યો મળી કુલ છ લોકો પાસેથી કેનેડાના વર્ક વિઝા કરી આપવાને બહાને કુલ રૂપીયા 46,25,000 પડાવ્યા હતા. ત્યારબાદ આરોપીએ કેનેડાની અલગ અલગ કંપનીમાં નોકરીની મંજુરી મળી હોવા અંગેના ખોટા લેટરો મોકલી આપી વીઝા કે પૈસા પરત નહી કરી ઓફિસ બંધ કરી ભાગી ગયો હતો. પોલીસે જિજ્ઞેશની ફરિયાદને આધારે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે સંદિપ કાપડીયા અને તેની પત્ની અવની કાપડીયા સામે ક્રાઈમ બ્રાન્ચમાં વીઝા અપાવવાને બહાને 171 લોકો પાસેથી 13 કરોડ પડાવી છેતરપિંડી કરી હોવાનો ગુનો નોધાયા બાદ ઈકો સેલની ટીમે અગાઉ અવની કાપડીયાની ધરપકડ કર્યા બાદ બે દિવસ પહેલા સંદિપ કાપડીયાની ધરપકડ કરી છે.