રાંદેરમાં પાળા પાસે બનાવેલા દાદરના પિલરમાં તિરાડ પડતાં હોબાળો : મેયરે આપી સમારકામની સૂચના

 

રાંદેર ઝોનમાં સિંચાઈ વિભાગ દ્વારા તાપી નદીના તટે બનાવવામાં આવેલા પાળાથી ઓવારા તરફ જવાના દાદર પર પિલ્લરમાં તિરાડ જોવા મળતાં સ્થાનિકોમાં ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. આ અંગે મેયર હેમાલી બોઘાવાલાને જાણ થતાં તેઓએ સવારે સિંચાઈ વિભાગ અને રાંદેર ઝોનના અધિકારીઓ સાથે સ્થળ મુલાકાત કરીને તાત્કાલિક ધોરણે આ સમસ્યાના નિરાકરણ માટે અધિકારીઓને જરૂરી દિશા – નિર્દેશ આપ્યા હતા. આ સિવાય આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ડ્રેનેજની સમસ્યા અંગે પણ સ્થાનિકો દ્વારા રજુઆત કરવામાં આવતાં તેના નિરાકરણ માટેની પણ સુચના અધિકારીઓને આપવામાં આવી હતી.
સુરતની જીવાદોરી સમાન તાપી નદી પર રાંદેરમાં સિંચાઈ વિભાગ દ્વારા બનાવવામાં આવેલા પાળા પરથી ઓવારા પર જવા માટે દાદર બનાવવામાં આવ્યા હતા. જો કે, આ દાદરના પિલ્લરમાં છેલ્લા કેટલાક સમયથી તિરાડો નજરે પડતાં સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો. આ અંગે સ્થાનિકો દ્વારા મેયર હેમાલી બોઘાવાલાને જાણ કરવામાં આવતાં તેઓએ તાત્કાલિક આજે સવારે રાંદેર ઝોન અને સિંચાઈ વિભાગના અધિકારીઓ સાથે સ્થળ તપાસ હાથ ધરી હતી. જેમાં દાદરના પિલ્લરમાં દેખાઈ રહેલી તિરાડો જોખમી બને તે પહેલાં જ તેના સમારકામ માટેની જરૂરી દિશા – નિર્દેશ અધિકારીઓને આપવામાં આવ્યા હતા. બીજી તરફ મેયરની મુલાકાતને પગલે સ્થાનિકો દ્વારા તેમના વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ડ્રેનેજની સમસ્યા અંગે પણ રજુઆત કરી હતી. સ્થાનિકોએ જણાવ્યું હતું કે, મનપાના કર્મચારીઓ દ્વારા સળિયા મારીને સમસ્યાનું સમાધાન કરવામાં આવે છે. જો કે, થોડા દિવસોમાં જ આ સમસ્યા પૂર્વવત્ થઈ જતી હોય છે. જેને પગલે મેયર દ્વારા રાંદેર ઝોનના અધિકારીઓને ડ્રેનેજના લેવલને ધ્યાને રાખીને ભવિષ્યમાં કોઈ સમસ્યા ન સર્જાય તે માટેની કામગીરી માટેની સૂચના આપી હતી.

Please follow and like us: