સરથાણામાં મનપાના પ્લોટમાં પર ગંદકીને પગલે સ્થાનિકો દ્વારા કચરો કમિશનર કચેરીએ ઠાલવવાની ચીમકી

શહેરના છેવાડે આવેલા સરથાણામાં પોલીસ મથક માટે સુરત મહાનગર પાલિકા દ્વારા ફાળવવામાં આવેલ જમીન પર પારાવાર ગંદકી અને અસહ્ય દુર્ગંધને પગલે આજે સ્થાનિકો દ્વારા ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો. સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરી રહેલા નાગરિકો દ્વારા જો વહેલી તકે આ સમસ્યાનું સમાધાન નહીં થાય તો કમિશનર કચેરીએ ગંદકી ઠાલવવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર સરથાણામાં પોલીસ મથક માટે મહાનગર પાલિકા દ્વારા એક પ્લોટ ફાળવવામાં આવ્યો છે. જો કે, આ પ્લોટ પર છેલ્લા ઘણા સમયથી પોલીસ દ્વારા ટોઈંગ કરવામાં આવેલા વાહનોનો ગંજ ખડકાયો છે. આ સિવાય આ સ્થળ પર અસામાજીક તત્વોએ દબાણ ઉભું કરતા આસપાસના રહેવાસીઓને ભારે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. અંદાજે પાંચ હજાર જેટલી વસ્તી ધરાવતી સાત સોસાયટીના રહેવાસીઓ દ્વારા આ સમસ્યા અંગે મહાનગર પાલિકાના વહીવટી તંત્ર સમક્ષ છેલ્લા એક મહિનાથી અવાર – નવાર રજુઆત કરવામાં આવી રહી છે.

ભારે ગંદકી કારણે આ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત સ્થાનિકો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. જેને પગલે આજે નાછૂટકે સ્થાનિકોએ મોરચો કાઢીને સમસ્યા અંગે ભારે સૂત્રોચ્ચાર કર્યો હતો. સ્થાનિકોએ આ સમસ્યાનું જો વહેલી તકે નિરાકરણ નહીં કરવામાં આવે તો ગંદકી અને કચરો કમિશનર કચેરીમાં ઠાલવવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

Please follow and like us: