પનાસ SMC આવાસમાં નર્કાગાર જેવી સ્થિતિ : ગંદકીથી રોગચાળો ફાટવાની દહેશત

શહેરના પનાસ ખાતે આવેલ એસએમસી આવાસમાં નર્કાગારની સ્થિતિમાં વસવાટ કરવા માટે સેંકડો પરિવારો મજબૂર બન્યા છે. આ અંગે છાશવારે વહીવટી તંત્ર સમક્ષ રજુઆત કરવા છતાં આજ દિન સુધી કોઈ નિરાકરણ ન આવતાં લોકોમાં ભારોભાર આક્રોશ જોવા મળી રહ્યો છે. બીજી તરફ સ્થાનિક કોર્પોરેટરો અને ધારાસભ્ય દ્વારા પણ આ સમસ્યા અંગે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યો છે.

એક તરફ સ્વચ્છતા સર્વેક્ષણમાં સમગ્ર દેશમાં સુરત શહેર બીજા ક્રમાંકે છે ત્યારે પનાસ ખાતે આવેલ પ્રજ્ઞાનગર એસએમસી આવાસમાં ચારે તરફ ઉભરાતી ગટરો અને ગટરિયા પુરને કારણે આ સ્થળે વસવાટ કરતાં ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોનું જીવન દોહ્યલું બની ગયું છે. 720 મકાનો ધરાવતા આ આવાસમાં હાલમાં 2500થી વધુ નાગરિકો વસવાટ કરી રહ્યા છે અને હાલમાં ભયંકર ગંદકી અને ઉભરાતી ગટરને પણ રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે.

સ્થાનિકો દ્વારા આ સંદર્ભે અનેક વખત વહીવટી તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ ફરિયાદ કાને ધરતું નથી. સ્થાનિક કોર્પોરેટરો અને ધારાસભ્યો દ્વારા પણ આ વિસ્તારના નાગરિકોની સમસ્યા અંગે ધરાર આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે.

Please follow and like us: