સુરત મહાનગરપાલિકા દ્વારા પહેલી વખત ચિંતન શિબિરનું આયોજન કરાયું

સુરત મહાનગર પાલિકા દ્વારા આજરોજ શહેરના તમામ ઝોન વિસ્તારમાં ફરજ બજાવતાં વિવિધ વિભાગોના સુપરવાઈઝર અને ટેક્નિકલ આસિસ્ટન્ટ કેડરના કર્મચારીઓ માટે ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે સુરત મહાનગર પાલિકાના મેયર હેમાલી બોઘાવાલા, કમિશનર શાલિની અગ્રવાલ સહિતના પદાધિકારીઓ અને ઉચ્ચાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વહીવટી સુગમતાને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે અધિકારીઓ અને મંત્રીઓ સાથે ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવતું હોય છે. જેને અનુલક્ષીને પહેલી વખત સુરત મહાનગર પાલિકા દ્વારા પણ આજરોજ સંજીવ કુમાર ઓડિટોરિયમ ખાતે ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સુરત મહાનગર પાલિકાના તમામ ઝોનમાં ફરજ બજાવતાં વિવિધ વિભાગોના સુપરવાઈઝર અને ટેક્નિકલ આસીસ્ટન્ટ કેડરના કર્મચારીઓ સહિત ઉચ્ચાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તાલિમ શિબિરમાં પ્રજા સાથે કેવી વર્તણૂંક કરવી અને બે વિભાગો વચ્ચે સંકલન થકી વિકાસ કાર્યને વેગ આપવા પર સવિશેષ ભાર મુકવામાં આવ્યો હતો.

સુરત મહાનગર પાલિકામાં નવા નિમણૂંક પામેલા કર્મચારીઓ અને તાલીમાર્થી હોય તેવા કર્મચારીઓ પણ ચિંતન શિબિરમાં ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા આ પ્રકારની ચિંતન શિબિરના આયોજન માટે સુચના આપવામાં આવી હતી તેના કારણે શિબિરનું આયોજન કરાયું હતું. સુરત પાલિકાની સેવા સીધી લોકો સાથે જોડાયેલી છે અને કર્મચારીઓએ પ્રજા સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ ? રજૂઆત કે ફરિયાદ કરવા પાલિકા કચેરીએ જે વ્યક્તિ આવે છે તેની જોડે કેવા પ્રકારની વાત કરવી જોઈએ ? આ ઉપરાંત અન્ય વ્યવહારુ તાલીમ મળી રહે અને તેની માહિતી મળી રહે તે માટે આ ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સુરતના મેયર ઉપરાંત અન્ય લોકોએ હાજરી આપી કર્મચારીઓને માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.

Please follow and like us: