Health : દેશમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓ કોરોના સાથે સબંધિત ?
દેશ(India )માં અચાનક હાર્ટ (Heart Attack ) એટેકથી મૃત્યુના ઘણા કિસ્સાઓ વધી રહ્યા છે. AIIMSના કાર્ડિયોલોજીના પ્રોફેસર ડૉ. રાકેશ યાદવ કહે છે કે અચાનક હાર્ટ એટેકનો સંબંધ કોરોના સાથે હોઈ શકે છે. તેમણે કહ્યું કે આવા મૃત્યુની ઘટનાઓમાં વધારો અંગે કોઈ ચોક્કસ ડેટા ઉપલબ્ધ નથી, પરંતુ ઘટનાઓને જોતા, તેમના કોરોના રોગચાળા સાથે જોડાણને નકારી શકાય નહીં. એક જાણીતા પોર્ટલમાં આ માટેનો લેખ પ્રકાશિત થયો હતો.જેમાં તેઓએ એવા પરિબળોનો ઉલ્લેખ કર્યો જેના કારણે કોવિડ વ્યક્તિને મારી શકે છે. તેમાં અનિયમિત ધબકારા અને નબળા હૃદયના સ્નાયુઓનો સમાવેશ થાય છે. ડૉ. યાદવે ધ્યાન દોર્યું હતું કે ચેપના ઇતિહાસ અને સમય જતાં હૃદય સંબંધિત રોગોના વધતા જોખમ વચ્ચેના જોડાણને સમર્થન આપતા વધતા પુરાવા છે.
લક્ષણોને અવગણવા જોઈએ નહીં
ડો.રાકેશ યાદવે કહ્યું કે, લોકોએ તેમની ઉંમર કે ફિટનેસના આધારે હાર્ટ સંબંધિત લક્ષણોની અવગણના ન કરવી જોઈએ. હાર્ટ એટેકનું જોખમ ઓછું કરવા માટે સમયાંતરે હેલ્થ ચેકઅપ કરાવવું ખૂબ જ જરૂરી છે.
પોસ્ટ મોર્ટમ જરૂરી
AIIMSમાં ફોરેન્સિક મેડિસિન અને ટોક્સિકોલોજીના પ્રોફેસર ડૉ. સુધીર ગુપ્તા કહે છે કે કાર્ડિયોવેસ્ક્યુલર રોગો અથવા અન્ય જોખમી પરિબળોને કારણે હૃદયરોગના હુમલાથી અચાનક મૃત્યુ પામેલા યુવાનોનું પોસ્ટમોર્ટમ કરવું જોઈએ. જેના પરથી મોતનું કારણ જાણી શકાય છે.