Gujrat: દિલ્હીમાં દસ દિવસ રહી છ કીલો વજન ઘટાડી સી.આર.પાટીલ સુરત પરત ફર્યા

વડાપ્રધાન મોદીના સૂચનથી હોસ્પિ.માં ૧૦ દિવસ રહી છ કીલો વજન ઘટાડી સી.આર.પાટીલ સુરત પરત ફર્યા
ગુજરાત પ્રદેશ પ્રમુખ સારવાર માટે દિલ્હી જતા જ સોશિયલ મીડિયામાં અનેક તર્ક વિતર્કો વહેતા થયા હતા. ત્યારે દસ દિવસ બાદ દિલ્હી થી સુરત પરત આવેલા પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી પોતાના સ્વાસ્થ્ય અંગે માહિતી આપી હતી.પ્રમુખે સોશ્યલ મીડિયા ઉપર વડાપ્રધાન મોદીનો આભાર માનવા સાથે તેઓએ લખ્યું હતું કે વડાપ્રધાન માદી કાર્યકર્તાઓનું સ્વાસ્થ્ય સારું રહે એ માટે પણ વિશેષ ચિંતા કરે છે, જેનો એક સુખદ અનુભવ મને પણ થયો.
વડાપ્રધાન મોદીના સુચનથી દિલ્હી ખાતે આયુષ મંત્રાલય દ્વારા સંચાલિત આયુર્વેદ તથા નેચરોપેથી ઇન્સ્ટીટયુટમાં ૧૦ દિવસ રહીને ૬ કિલો વજન ઘટાડવા સાથે ફરી સ્ફૂર્તિલા અને ચેતનવંતા થઇને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ અને તેમના ધર્મપત્ની ગંગાબેન પાટીલ આજે સુરત પરત ફર્યા હતા. સુરત એરપોર્ટ ખાતે શહેરના પદાધિકારીઓ, સમર્થકો દ્વારા તેઓનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
સી. આર. પાટીલે વધુમાં જણાવ્યું છે કે, આપણી આયુર્વેદિક ધરોહરને આયુષ મંત્રાલય હેઠળ લાવી દિલ્હીમાં આ આયુર્વેદ ઈન્સ્ટીટયુટનું વિશાળ સંકુલ ઊભું કરી AIIMSનો દરજ્જો અપાયો છે, જેમાં નેચરોથેરાપીની સારવાર કરાય છે, અને દરરોજ ૩૦૦૦થી વધુ લોકો થેરાપીનો લાભ લે છે, આવી ભવ્ય નેચરોથેરાપીની સુવિધા સૌને પ્રદાન કરવા માટે વડાપ્રધાનનો અભાર.
• વજન વધવા સાથે સતત પ્રવાસ અને કાર્યરત રહેવાથી ચહેરાઉપર થાક વર્તાતો હતો
• કાર્યકર્તાઓના સ્વાસ્થ્ય માટે વડાપ્રધાનની વિશેષ ચિંતાનો મને પણ અનુભવ થયોઃ સી.આર.પાટીલ
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે વજન વધવાને કારણે તથા સતત પ્રવાસ અને કાર્યરત રહેવાને કારણે મારા ચહેરા પર થાક વર્તાતો હતો. જે માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આયુષની આયુર્વેદ ઈન્સ્ટીટયુટ (ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટ્યુટ ઓફ આયુર્વેદ) માં નેચરોપથીની સારવાર લેવા માટે તાકીદ કરી હતી.નેચરોથેરાપીના નિયમો અને શિડયુલના કારણે કાર્યકર્તાઓ, શુભેચ્છકો સાથેવાત ના કરી શકયો એ માટે દિલગીર છું અને શુભેચ્છાઓ માટે આભારી છું.
સી.આર. પાટીલે વધુમાં કહ્યું હતું કે, વિશેષ રૂપે મારા સ્વાસ્થ્ય માટેની ચિંતા કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરું છું. સી આર પાટીલે ઓલ ઇન્ડીયા ઇન્સ્ટીટયુટ ઓફ આયુર્વેદ (AIIA) ના ભરપેટ વખાણ કરતા જણાવ્યું હતું કે આપણી આયુર્વેદિક ધરોહરને આયુષ મંત્રાલય હેઠળ લાવી આ આયુર્વેદ ઈન્સ્ટીટયુટનું વિશાળ સંકુલ ઊભું કરી AIIMSનો દ૨જ્જો આપવામાં આવ્યો છે. અહીં ૧૦ દિવસનો અનુભવ અદભુત રહ્યો.