રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે થશે ગુજરાત ઈ-વિધાનસભાનું લોકાર્પણ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે ગુજરાતની (Gujarat) ઈ-વિધાનસભાનું લોકાર્પણ કરવામાં આવશે. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના પત્રને રાષ્ટ્રપતિ કાર્યાલય તરફથી હકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. આ અંગે માહિતી આપતાં વિધાનસભાના સચિવે જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ 13 સપ્ટેમ્બરે સવારે 10 વાગ્યે ગુજરાતની ઇ-વિધાનસભાનું ઉદ્ઘાટન કરશે. આ દિવસે રાષ્ટ્રપતિ ધારાસભ્યોને પણ સંબોધિત કરશે. રાષ્ટ્રપતિ આયુષ્માન ભવ એપ્લિકેશન પણ લોન્ચ કરશે.
ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર 12 સપ્ટેમ્બરથી શરૂ થશે. આ ત્રણ દિવસીય સત્રમાં ઘણા મહત્વપૂર્ણ બિલો રજૂ કરવામાં આવશે, જ્યારે આ વખતે વિધાનસભા સત્ર કેટલીક રીતે ખાસ રહેશે. સત્રના પ્રથમ દિવસે 12 સપ્ટેમ્બરે ઈ-એસેમ્બલી શરૂ કરવામાં આવશે. તેમજ વિધાનસભાની કામગીરી પેપરલેસ બની જશે. આ પછી વિધાનસભાની નવી કેન્ટીનનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે. ગુજરાત વિધાનસભા આ ચોમાસુ સત્રથી પેપરલેસ થશે. તેના ઉદ્ઘાટન કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, તમામ ધારાસભ્યો ઉપરાંત લોકસભાના વિધાન અને સંસદીય વિભાગના વરિષ્ઠ અધિકારીઓ, નોવા કંપનીના અધિકારીઓ ઉપસ્થિત રહેશે. નવી કેન્ટીનનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે. આ ત્રણ દિવસીય ચોમાસુ સત્રમાં સરકાર 9 અલગ-અલગ બિલ રજૂ કરશે.