સામી દિવાળીએ ઈન્કમ ટેક્સના મેગા ઓપરેશનથી ડાયમંડ અને જ્વેલર્સના વેપારીઓમાં ફફડાટ
દિવાળીના(Diwali) તહેવારોને હવે ગણતરીનાં દિવસો બાકી છે ત્યારે સુરત શહેરમાં ઈન્કમ ટેક્સ વિભાગ(IT Department) દ્વારા ડાયમંડ અને જ્વેલર્સ સાથે સંકળાયેલા ગ્રુપ પર સામુહિક દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આજે વહેલી સવારથી જ ઈન્કમ ટેક્સ વિભાગની અલગ- અલગ ટીમો દ્વારા શહેરના ધોડદોડ રોડ, વરાછા – ઈચ્છાપોર અને સચિન સહિત અંદાજે 40 સ્થળો પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જેને પગલે ડાયમંડ અને જ્વેલરીના વ્યવસાય સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓમાં ફફડાટ મચી જવા પામ્યો છે. શહેરના પાર્થ ગ્રુપ, અક્ષર ગ્રુપ અને કાંતિલાલ એન્ડ બ્રધર્સ જ્વેલર્સના શો- રૂમ – ફેકટરી અને નિવાસ સ્થાને ઈન્કમ ટેક્સના અધિકારીઓ દ્વારા પોલીસની ટીમને સાથે રાખીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં તપાસને અંતે મોટા પાયે બેનામી આવક અને વ્યવહારો મળી આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
અમદાવાદ – વડોદરા સહિત સુરતના ઈન્કમ ટેક્સના અધિકારીઓ દ્વારા શહેરમાં અલગ – અલગ ઠેકાણે ડાયમંડ અને જ્વેલર્સના વ્યવસાય સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓને ત્યાં દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. એક સાથે 200થી વધુ ઈન્કમ ટેક્સ અધિકારીઓ દ્વારા પાર્થ ગ્રુપ, અક્ષર ગ્રુપ અને કાંતિલાલ જ્વેલર્સના માલિકો – ભાગીદારોને ત્યાં દરોડાની સામુહિક કામગીરી હાથ ધરવામાં આવી છે. જે અંગેના સમાચાર શહેરમાં વાયુવેગે પ્રસરી જવા પામ્યા છે. લાંબા સમય બાદ શહેરમાં ઈન્કમ ટેક્સ વિભાગના મોટા પાયે દરોડાની કાર્યવાહીને પગલે જેને પગલે વરાછા સહિતના વિસ્તારોમાં ડાયમંડ અને જ્વેલર્સના વ્યવસાય સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો.
ઉલ્લેખનીય છે કે, શહેરની નામાંકિત જ્વેલર્સ પેઢી કાંતિલાલ એન્ડ બ્રધર્સના ધોડદોડ રોડ અને અડાજણના શોરૂમ સહિત માલિકોના ઘરે મળસ્કે જ ઈન્કમ ટેક્સ વિભાગના અધિકારીઓ પહોંચી ગયા હતા. બીજી તરફ સુરત સહિત રાજ્યભરમાં જ્વેલરી મેન્યુફેક્ચરિંગમાં મોટું નામ ગણાતી અક્ષર અને પાર્થ નામક સંસ્થાઓ પણ ઈન્કમ ટેક્સના રડારમાં આવી છે. આ બંને પેઢીઓની વરાછા ખાતે આવેલ ઓફિસ સહિત સચીન અને ઈચ્છાપોરમાં આવેલ ફેકટરીમાં દરોડાનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. સામી દિવાળીના તહેવારો વચ્ચે શહેરમાં ઈન્કમ ટેક્સના દરોડાની કાર્યવાહીને પગલે શહેરમાં ડાયમંડ અને જ્વેલરીના વ્યવસાય સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓમાં રીતસરનો ફફડાટ મચી જવા પામ્યો છે. જો કે, ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા આ દરોડાની કાર્યવાહી દરમિયાન કરોડો રૂપિયાના બેનામી વ્યવહારો મળી આવે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઈન્કમ ટેક્સ અધિકારી સહિત પોલીસ જવાનોની 300ની ટીમ
સુરતમાં ઈન્કમ ટેક્સ વિભાગના મેગા સર્ચ ઓપરેશનને પગલે ઉદ્યોગપતિઓમાં ફફડાટ મચી જવા પામ્યો હતો. અમદાવાદ અને વડોદરા સહિત સમગ્ર રાજ્યમાંથી આવેલા ઈન્કમ ટેક્સના અધિકારીઓ દ્વારા જ્વેલર્સ સહિત જ્વેલરી મેન્યુફેક્ચરિંગ સાથે સંકળાયેલા ત્રણ ગ્રુપોના 40 સ્થળો પર દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં પોલીસ સહિત આઈટીના 300 અધિકારીઓ જોડાયા હતા.
પાર્થ અને અક્ષર જ્વેલરી મેન્યુફેક્ચરિંગમાં અગ્રણી ગ્રુપ
શહેરનાં વરાછા ખાતે ઓફિસ ધરાવતી પાર્થ અને અક્ષર ગ્રુપ સુરત સહિત સમગ્ર રાજ્યમાં જ્વેલરી મેન્યુફેક્ચરિંગ સાથે સંકળાયેલી અગ્રણી સંસ્થા છે. આ બંને સંસ્થાઓ રાજ્યભરના જ્વેલર્સ પાસેથી સોનું લઈને તેમના અનુકુળ જ્વેલરીની ડિઝાઈનો બનાવી આપે છે. આ બંને સંસ્થાઓની ઈચ્છાપોર અને સચીન ખાતે ફેકટરીઓ આવેલી છે. જો કે, હવે આ બંને ગ્રુપ પર ઈન્કમ ટેક્સના દરોડાની કાર્યવાહીને પગલે આ સંસ્થા સાથે સંકળાયેલ અન્ય જ્વેલર્સ પણ આઈટીની રડારમાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.