અમરનાથ યાત્રા કરાવવાના બહાને ભરૂચના યુવકે 150 સુરતીઓને ચૂનો ચોપડ્યો
ભરૂચના(Bharuch) એક યુવકે અમરનાથ યાત્રા કરાવવાના બહાને 150 લોકોને 3 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી. ચોકબજાર પોલીસે પીડિતો ની ફરિયાદના આધારે ગુનો નોંધ્યો છે. આ કેસની તપાસ કરી રહેલા પોલીસ સબ ઈન્સ્પેક્ટર બી.જે.ટીરકરે જણાવ્યું હતું કે, ભરૂચના ભુલેશ્વર ગામમાં રહેતા રાહુલ ગામીતે વેડરોડ વિરમનગરમાં રહેતા નિલેશ ધડુક અને અન્ય લોકો સાથે છેતરપિંડી કરી હતી.
બે મહિના પહેલા સુરતમાં તેના મામાના ઘરે આવેલા રાહુલે ટ્રાઇબલકિંગ મની ટ્રસ્ટની સ્કીમ હેઠળ માત્ર બે હજાર રૂપિયામાં અમરનાથ યાત્રા કરાવવાની વાત કરી હતી. તેનાથી પ્રભાવિત થઈને લોકોએ તેની પાસે બે હજાર રૂપિયા જમા કરાવીને રજીસ્ટ્રેશન કરાવ્યું. આ યાત્રા અમદાવાદથી શરૂ થવાની હતી, જેમાં રજીસ્ટ્રેશન માટે એક હજાર રૂપિયા અને સુરતથી અમદાવાદ જવા માટે એક હજાર રૂપિયાનો સમાવેશ થાય છે. તેણે તમામ લોકોનું એક વોટ્સએપ ગ્રુપ પણ બનાવ્યું હતું.
પરંતુ મુસાફરીનો સમય નજીક આવતાં તેણે પોતાનો મોબાઈલ ફોન બંધ કરી દીધો અને ભૂગર્ભમાં ઉતરી ગયો. આ અંગે પીડિતોએ ચોકબજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. રાહુલ ફરાર છે, તેની શોધ ચાલુ છે.