શિવાજી જયંતી પર શોભાયાત્રા જોવા નીકળેલી પાંચ વર્ષની બાળકીને પોલીસે આવી રીતે શોધી કાઢી
વેડરોડમાંથી(VedRoad) રવિવારે ગુમ થયેલી પાંચ વર્ષની બાળકીને(Girl) પોલીસે ગણતરીના કલાકોમાં શોધી કાઢી તેના પરિવારજનોને સોંપી હતી. મળતી માહિતી મુજબ વેડરોડ આનંદ પાર્ક સોસાયટીમાં રહેતી આરુષિ (5) રવિવારે ગુમ થઈ ગઈ હતી. બપોરે એક વાગ્યે તે બહાર શેરીમાં ડીજે જોવા ગઈ હતી, પછી પાછી આવી નહતી. તેની માતા તેને શોધવા ગઈ, પરંતુ તેને શેરીમાં ક્યાંય મળી નહીં. તેની માતાએ તેના પિતા જયપ્રકાશ વિશ્વકર્માને જાણ કરી, જેઓ એમ્બ્રોઇડરીના કારખાનામાં કામ કરતા હતા.
જયપ્રકાશે મિત્રોની મદદથી આજુબાજુના વિસ્તારમાં શોધખોળ કરી હતી પરંતુ તેનો પત્તો લાગ્યો ન હતો. સાંજે 4 વાગે જયપ્રકાશે ચોકબજાર પોલીસને જાણ કરી હતી. માહિતી મળતા જ પોલીસકર્મીઓમાં દોડધામ મચી ગઈ હતી.
પોલીસ અધિકારી એમ.બી.અસુરાએ અલગ-અલગ ટીમો બનાવી વિસ્તારમાં શોધખોળ શરૂ કરી હતી. પોલીસે લગભગ એક કિલોમીટરના દાયરામાં આવેલા લોકોને ફોટોગ્રાફ્સ બતાવીને પૂછપરછ કરી હતી. લગભગ અડધા કલાક બાદ વેડરોડ વિસ્તારમાંથી જ બાળકી મળી આવી હતી.
જે બાદ પોલીસે રાહતનો શ્વાસ લીધો અને બાળકીને તેના માતા-પિતાને સોંપી. પોલીસે જણાવ્યું કે બાળકી શિવાજી જયંતિ પર શોભા યાત્રા જોવા માટે ઘરેથી નીકળી હતી. લોકોની સાથે તે સોસાયટીની શેરીમાંથી નીકળીને મુખ્ય માર્ગ પર આવી હતી. જેથી તેણી રસ્તો ભટકી ગઈ હતી, તે ઘરથી ઘણી દૂર વિરુદ્ધ દિશામાં ગઈ હતી. જોકે બાળકી સલામત રીતે મળી આવતાં માતા-પિતાની આંખોમાંથી હર્ષના આંસુ આવી ગયા હતા.