સુરત કોર્પોરેશનની નવી પહેલથી અસંખ્ય બહેનોને મળશે રોજગારી : બાપ્પાના વાઘાને કરશે રિયુઝ
મહાનગરપાલિકા(SMC) દ્વારા કૃત્રિમ તળાવ પાસે સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે જ્યાં બાપ્પાના ઝવેરાત અને વસ્ત્રો એકત્ર કરવામાં આવે છે.સ્વસહાય જૂથની બહેનો નવરાત્રિ મેળા દરમિયાન આ કપડાં અને ઘરેણાંમાંથી બનાવેલી વસ્તુઓનું વેચાણ કરશે.
સુરતમાં ગણેશ વિસર્જન દરમિયાન ભગવાન ગણેશની મૂર્તિ પર પહેરવામાં આવતા વાઘા અને જ્વેલરીનો નાશ કરવાને બદલે અલગ કરીને તેનો પુનઃઉપયોગ કરવાનો મહાનગરપાલિકાનો પ્રયાસ ઘણા લોકોને આજીવિકા પૂરી પાડશે. સ્વ-સહાય જૂથોની બહેનોને રોજીરોટી મળી રહે તે માટે સુરત મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરાયેલી વસ્તુઓનું નવરાત્રી મેળા દરમિયાન વેચાણ કરવામાં આવશે.
સુરત મહાનગરપાલિકાના 20 કૃત્રિમ તળાવોમાં ભગવાન ગણેશની હજારો મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. મહાનગરપાલિકાના આ તળાવમાં ભગવાન ગણેશનું વિસર્જન કરતા પહેલા શ્રીજીની મૂર્તિનું પૂજન કર્યા બાદ ભગવાન ગણેશને પહેરાવેલા સમગ્ર માળા અને તેમને પહેરેલા વસ્ત્રો, હાર, મુગટ અને ઝવેરાત વગેરે દૂર કરવામાં આવ્યા હતા. આ જ્વેલરી,વાઘા વગેરેનો પુનઃઉપયોગ કરવાથી પર્યાવરણનું રક્ષણ થશે. સુરત મહાનગરપાલિકા દ્વારા જરૂરિયાતમંદ મહિલાઓને વિવિધ યોજનાઓ હેઠળ રોજગારી આપવામાં આવી રહી છે. જેમાં યુસીડી વિભાગ દ્વારા અમલમાં મુકાયેલ દીનદયાળ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત રચાયેલા સ્વ-સહાય જૂથની બહેનો દ્વારા કૃત્રિમ તળાવ પરની મૂર્તિ સાથે ઘરેણાં અને કપડાં અલગ કરવામાં આવ્યા હતા.
મહાનગરપાલિકાના આ કૃત્રિમ તળાવ પર શ્રીજીની મૂર્તિમાંથી લીધેલા મુગટ, ઝવેરાત, કમરબંધ સહિતની ચીજવસ્તુઓમાંથી ચણીયાચોળી, ઝવેરાત અને સુશોભનની વસ્તુઓ બનાવવામાં આવશે. આ ઉપરાંત શહેરી બેઘર લોકો માટે આશ્રયસ્થાનોમાં રહેતા જરૂરિયાતમંદોને અને બાળકોને ભેટ તરીકે કેટલીક વસ્તુઓ આપવામાં આવશે.
આ ઉપરાંત આગામી દિવસોમાં નવરાત્રિની ઉજવણી અને સ્વ-સહાય જૂથોની બહેનોને રોજીરોટી મળી રહે તે માટે તૈયાર કરેલી વસ્તુઓને વેચાણ-કમ-પ્રદર્શન માટે આગામી દિવસોમાં નવરાત્રિ મેળામાં મુકવામાં આવશે.
અગાઉ આ રીતે બનેલી વસ્તુઓનું વેચાણ થતું હતું અને મહિલાઓને મોટી આવક થતી હતી. ગત વર્ષની જેમ આ વર્ષે પણ સુરત મહાનગરપાલિકાએ કૃત્રિમ તળાવની બહાર આવી વસ્તુઓના સંગ્રહ માટે સ્ટોલ ઉભા કર્યા છે. જરૂરિયાતમંદ મહિલાઓને આજીવિકા પૂરી પાડવા માટે તેને અલગ કરીને ફરીથી ઉપયોગમાં લેવાશે.