સુરતના રસ્તાઓની સૂરત બદલાશે : મુંબઈના રોડની માફક લાવવામાં આવશે આ બદલાવ
નવા ખુલતા શહેરના (Surat) તમામ 24 મીટરથી મોટા ટીપી/ડીપી રોડ (Road) હવે ફરજિયાત રીતે સીમેન્ટ-કોંક્રીટના બનાવવામાં આવશે. આગામી ડ્રાફટ બજેટમાં આ અંગેની વિશેષ જોગવાઈ કરવામાં આવી છે. અત્યારસુધી 30 મીટરથી પહોળા ટીપી રોડ સીસી રોડ બનાવવાની પોલિસી અમલી છે. પરંતુ હવે શહેરમાં ટીપી રોડ ખોલવા માટેની ઝુંબેશ સમયાંતરે હાથ ધરવામાં આવી રહી છે. આગામી એક વર્ષમાં શહેરમાં રોડ કનેક્ટિવીટી વધુ સઘન બનાવવા માટે 100 ટીપી રોડ તબક્કાવાર ખુલ્લા કરાવવાનું આયોજન છે.
નવા ખુલ્લા થનારા 24 મીટરથી પહોળા તમામ ટીપી/ડીપી રોડો હવે કારપેટને બદલે સીધા સીમેન્ટકોંક્રીટના જ બનાવવામાં આવશે. આ માટે ડ્રાફટ બજેટમાં 200 કરોડની જોગવાઈ પણ સુચિત કરવામાં આવી છે. એટલું જ નહીં કારપેટ કરાયેલ ડામરના રોડ પરથી પાંચ-છ વર્ષમાં પ્રથમ લેયર નીકળી જવાથી રીકારપેટ કરવાની અનિવાર્યતા ઉભી થાય છે.
આ પાંચ-સાત વર્ષે ફરીથી રોડ રીકારપેટ કરવાની ઝંઝટમાંથી મુક્તિ મેળવવા માટે હવે મનપા દ્વારા પ્રથમ વખત હયાત ડામર રોડ પર સિમેન્ટ કોંક્રીટ ઓવર-લે કરવાનું પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે. એટલે કે ડામરનો પ્રથમ લેયર દૂર કરી સીધું પીક્યુસી કરી સિમેન્ટ કોર્કીટનું લેયર હયાત ડામર રોડ પર પાથરી દેવામાં આવશે તેથી રસ્તો રીકારપેટ કરવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે તથા આ ડામર રોડનું આયુષ્ય ઘણું લાંબુ ટકી શકશે.
તથા મુંબઈમાં આ પ્રકારે ડામર રોડ પર સીસી ઓવર-લે કરવામાં આવે છે. હવે આ પદ્ધતિ સુરત મનપા દ્વારા પણ અખત્યાર કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં સુરત-કામરેજ રોડ સુરત-કડોદરા રોડને સીસી ઓવર-લે કરવા માટેની કામગીરી હેતુ ટેન્ડરો બહાર પાડી દેવામાં આવ્યા છે. એટલું જ નહીં 24 મીટરથી પહોળા હયાત ડામર રોડ, જ્યાં તમામ સર્વિસ લાઇનો શિફ્ટ થઈ ગઈ હોય, તેવા માર્ગોને પણ તબક્કાવાર સીમેન્ટ-કોક્રીંટ રોડમાં તબદીલ કરવામાં આવશે.