સુરત કોર્પોરેશને 15 દિવસમાં 650 કરતા વધુ રખડતા ઢોરોને પકડ્યા, સૌથી વધુ વરાછામાં
રખડતા ઢોર (Stray Cattles) પકડવાની ઝુંબેશને પગલે મનપા (SMC) દ્વારા ગત 16 જાન્યુઆરીથી સતત તમામ ઝોન વિસ્તારના ત્રણ પાળીઓમાં કામગીરી હાથ ધરવામાં આવી છે. છેલ્લા 15 દિવસમાં માર્કેટ વિભાગ દ્વારા આ ઝુંબેશ અંતર્ગત 672 રખડતાં પશુઓને પકડવામાં આવ્યા છે. એટલું જ નહીં મનપાના અનામત પ્લોટ પર તાણી દેવાયેલ ગેરકાયદેસર તબેલાઓ દૂર કરવાની ઝુંબેશ અંતર્ગ વરાછા ઝોન વિસ્તારમાં બે અનામત પ્લોટો પરથી ગેરકાયદેસર તબેલાઓ દૂર કરાયા છે. આ તબેલાઓમાં ત્રીસ થી વધુ પશુઓ હતા.
હાઇકોર્ટની તાકીદ અને રાજ્ય સરકારની સુચનાને પગલે સુરત મનપા દ્વારા ગત 16 જાન્યુઆરીથી મોટા પાયે રખડતા પશુઓને પકડવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. તમામ ઝોનનું કુલ ત્રણ પાળીઓમાં ટીમ બનાવી રખડતા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે 16 જાન્યુઆરીથી અત્યારસુધી 672 તથા આજે બે પાળીમાં વધુ 22 રખડતા પશુઓને પકડવામાં આવ્યા છે.
મનપા દ્વારા દરેક ટીમોને આ વખતે વાયરલેસની સુવિધા પણ આપવામાં આવી છે અને તમામ વાયરલેસો આઈસીસીસી સેન્ટર સાથે કનેક્ટ કરવામાં આવ્યા છે. વાયરલેસ મેસેજના અંતર્ગત થયેલ કામગીરીથી આઠ પશુઓને જે તે સ્થળેથી પકડવામાં આવ્યા છે. અત્યારસુધી સૌથી વધુ વરાછા ઝોન વિસ્તારમાંથી રખડતાં પશુઓ ઝડપાયા છે.
મનપાના અનામત પ્લોટો પર કે ટીપી/ડીપી રોડ પર તાણી દેવાયેલ ગેરકાયદસેર તબેલાઓ દૂર કરવાની ઝુંબેશના ભાગરૂપે આઠ તબેલાઓ છેલ્લા ત્રણ-ચાર દિવસમાં દૂર કરાયા છે. તબેલાઓમાં મોટા ભાગે ભેંસ હોવાથી માર્કેટ વિભાગ માટે પણ આ પશુઓ માટેની વ્યવસ્થા મુશ્કેલ બની રહી છે. ઢોરડબ્બા કેન્દ્ર ખાતે ગાયો માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. તેથી પશુપાલકોને તૈયારી હોવાથી આ ગેરકાયદેસર તબેલાઓ દૂર કર્યા બાદ ઢોર પશુપાલકોને તાકીદ કરી પરત આપી દેવામાં આવે છે.