શહેરમાં હવે કોરોના પોઝીટીવ દર્દીઓના રિપોર્ટ જિનોમ સિકવન્સિંગ માટે મોકલાશે
ચીનમાં (China )બેફામ બનેલા કોરોના (Corona ) મહામારીને પગલે હવે દેશમાં પણ કોરોના સંક્રમણની ભીતિને ધ્યાને રાખીને આરોગ્ય મંત્રાલય દ્વારા જરૂરી દિશા – નિર્દેશો પાઠવવામાં આવ્યા છે. જેના ભાગરૂપે સુરત મહાનગર પાલિકાનું આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવી ગયું છે. શહેરમાં હાલ કોરોના સંક્રમણનો દર કાબુમાં હોવા છતાં તમામ ખાનગી લેબોરેટરીને પોઝીટીવ કેસના જીનોમ રિપોર્ટ કઢાવવા અંગેની તાકિદ કરવામાં આવી છે જ્યારે બીજી તરફ શહેરના નાગરિકોને પણ કોરોનાના નવા વેરિએન્ટને પગલે તકેદારી રાખવા અંગે અપીલ કરવામાં આવી છે.
મનપાના આરોગ્ય વિભાગના વડા ડો. આશિષ નાયક દ્વારા આ અંગે વધુ માહિતી આપતા જણાવવાયું છે કે, હાલ ચીનમાં જે ઝડપે કોરોનાના કેસ વધી રહ્યા છે તે ખરેખ ચિંતાનો વિષય છે. અલબત્ત, હાલ કેન્દ્રની ગાઈડ લાઈનને પગલે શહેરભરના હેલ્થ સેન્ટરોના તબીબો સાથે બેઠક યોજવામાં આવી હતી અને તમામને તકેદારી રાખવા અંગે જરૂરી દિશા – નિર્દેશ પાઠવવામાં આવ્યા છે. બીજી તરફ કેન્દ્રની ગાઈડ લાઈનને પગલે હવે શહેરમાં જે દર્દીઓ રિપોર્ટ કોવિડ પોઝીટીવ રિપોર્ટ આવશે તેના જીનોમ સિકવન્સ રિપોર્ટ પણ કઢાવવામાં આવશે. અલબત્ત, સુરત સહિત સમગ્ર દેશમાં વેક્સીનેશનના ત્રણ રાઉન્ડ થઈ ચુક્યા છે અને જેના કારણે નાગરિકોમાં ઈમ્યુનિટી ડેવલપ થઈ ચુકી છે. તેમ છતાં આગામી દિવસોમાં કોરોના સંક્રમણની ભીતિને ધ્યાને રાખીને નાગરિકોને શરદી- ખાંસી કે તાવ આવતો તો અચૂક કોરોનાનો રિપોર્ટ કઢાવવાની સાથે – સાથે સાવચેત રહેવા પણ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
બેકાબુ બનતો ઓરીનો રોગચાળો, લિંબાયત અને ઉધનામાં સૌથી વધુ કેસો નોંધાયા
રાજ્યના અમદાવાદ અને મુંબઈ બાદ હવે સુરત શહેરમાં બાળકોમાં જોવા મળતો ઓરીનો રોગચાળો બેકાબુ બની રહ્યો છે. હાલ સુરત શહેરમાં 100થી વધુ કેસો નોંધાઈ ચુક્યા છે અને તેને પગલે મનપાના આરોગ્ય વિભાગ દ્વારા બાળકોને ત્વરિત વેક્સીનેશન માટે વાલીઓના અપીલ કરવામાં આવી છે. હાલ સુરત શહેરના ઉધના અને લિંબાયત ઝોન વિસ્તારમાં આ રોગચાળાના સૌથી વધુ કેસો નોંધાયા હોવાનું પણ જાણવા મળ્યું છે.