રાત્રે સુતેલા લોકોને અચાનક જ શ્વાસ લેવામાં તકલીફ ઉભી થઇ, ધબકારા વધી ગયા, પછી શું થયું ?
ગુજરાતના રાજકોટના(Rajkot) ખોડિયારનગરમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. અહીં લોકો રાત્રે સૂતા હતા ત્યારે અચાનક લોકોને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી, ધબકારા વધી ગયા અને લોકોને ઉલ્ટી થવા લાગી. ચક્કર આવવા લાગ્યા અને પછી લોકો બેભાન થવા લાગ્યા. આવી સમસ્યા માત્ર એક વ્યક્તિને જ નહીં, પરંતુ ઘણા લોકોને થઈ છે. જે બાદ વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. આ વિસ્તારમાં ઝેરી ગેસ લીક થયો હોવાનું જાણવા મળ્યું હતું.
ઝેરી ગેસ લીક થયો હોવાની જાણ થતાં જ લોકો ચીસો પાડવા લાગ્યા હતા. મદદ માટે ફોન કરવા લાગ્યા. કેટલાક લોકોએ હિંમત બતાવી જેમની તબિયત બગડી હતી તેમને હોસ્પિટલ લઈ ગયા. જણાવવામાં આવી રહ્યું છે કે તમામની હાલત ખતરાની બહાર છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર જો મોડું થયું હોત તો લોકોએ જીવ ગુમાવ્યો હોત.
ઝેરી ગેસ લીક
વાસ્તવમાં નજીકની ફેક્ટરીમાં ઝેરી ગેસ લીક થયો હતો. રાત્રીનો સમય હતો, તેથી વિસ્તારના મોટાભાગના લોકો સૂઈ ગયા હતા. અચાનક બનેલી આ ઘટનાથી વિસ્તારમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. જ્યાંથી ગેસ લીક થયો હતો તે શોધવામાં લોકોને ઘણો સમય લાગ્યો હતો. પહેલા એવું લાગતું હતું કે ગેસ સિલિન્ડર કોઈ ઘરમાંથી લીક થયું હશે, પરંતુ બાદમાં સત્ય સામે આવ્યું.
પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી
લોકોને આ અંગેની જાણ થતાં જ મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો ફેક્ટરી પર પહોંચી ગયા હતા. લોકો ફેક્ટરીની બહાર આવીને વિરોધ કરવા લાગ્યા. સ્થાનિક લોકોએ જણાવ્યું કે આ વિસ્તાર રહેણાંક છે, છતાં અહીં એક ફેક્ટરી ખોલવામાં આવી છે. આને તાત્કાલિક બંધ કરવું જોઈએ. તે જ સમયે, ઘટનાની માહિતી મળતા, પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને સ્થાનિક લોકોને શાંત પાડ્યા હતા. પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે.