સુરતમાં માત્ર પાંચ જ દિવસના બાળકનું અંગદાન : નાની ઉંમરે અંગદાન કરનાર વિશ્વનું બીજું બાળક
અંગદાન (Organ Donation) ક્ષેત્રે સુરતમાં અનેક પ્રકારની પ્રવૃતિઓ ચાલી રહી છે. જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશને આજે એક પરિવારને માત્ર પાંચ દિવસના બ્રેઈન-ડેડ બાળકના અંગોનું દાન કરવા માટે સમજાવીને એક અનોખું અને પ્રેરણાદાયી ઉદાહરણ સ્થાપિત કર્યું છે. બાળ અંગદાનમાં સુરતનો એક બાળક કદાચ ભારતનો સૌથી યુવા અંગ દાતા બન્યો છે. જન્મના થોડા કલાકોમાં અંગ દાન કરનાર આ વિશ્વનું બીજું બાળક છે.
અંગદાનના ક્ષેત્રમાં ગુજરાત અગ્રેસર રહ્યું છે, પવિત્ર નવરાત્રી દરમિયાન શક્તિના અનેક અનોખા સ્વરૂપો જોવા મળે છે. શક્તિસ્વરૂપા દાદીમા અને માતાઓએ એવા બાળકના અંગોનું દાન કરવાનો નિર્ણય કરીને સમાજ માટે એક દાખલો બેસાડ્યો છે જે જન્મથી જ ન તો રડી શકે છે કે ન તો હલનચલન કરી શકે છે. સુરતના વાલક પાટિયા પાસે ગીતાંજલી રો હાઉસમાં રહેતા અને મૂળ અમરેલી પાસેના મલીલાના હર્ષભાઈ અને ચેતનબેન સંઘાણીને 13 ઓક્ટોબરના રોજ પુત્રનો જન્મ થયો હતો.
ડૉ. સંજય પીપલવાની કલવર હોસ્પિટલમાં જન્મ પછી બાળક ન તો હલ્યું કે ન તો રડ્યું. તેની તપાસ થતાં જ ડો.અતુલ શેલડીયાને કેર ચિલ્ડ્રન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીં બાળકને વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યું હતું અને તેના સ્વસ્થ થવાની ઉત્સુકતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી અને વિવિધ પરીક્ષણો કરવામાં આવ્યા હતા. વિશેષ સારવાર માટે ડો.હિમાંશુ પાનસુરીયા (ન્યુરો), ડો.રયેશ શાહ (ન્યુરો), ડો.અતુલ શેલડીયા (બાળરોગ નિષ્ણાંત)એ બાળકની તપાસ કરી બાળકને બ્રેઈન ડેડ જાહેર કર્યો હતો. ભારે હૈયે ઈશ્વરની ઈચ્છાનો સ્વીકાર કરતા પરિવારને પરિવારના મિત્ર હિતેશભાઈ કરકર દ્વારા ડો.નિલેશ કાછડિયાના સંપર્ક દ્વારા બાળકના અંગદાન અંગેની માહિતી મળી હતી અને તેમણે જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના પી.એમ.ગોંડલિયા અને વિપુલ તળાવિયાનો સંપર્ક કર્યો હતો. ,
જીવનદીપ ઓર્ગન ડોનેશનના અન્ય સભ્યોના સહકાર અને સમજણથી બાળકના પિતા હર્ષભાઈ, માતા ચેતનાબેન, કાકા વ્રજભાઈ, દાદા અતુલભાઈ, દાદી રશ્મિબેન બધાએ સામૂહિક રીતે પાંચ દિવસના બાળકના અંગોનું દાન કરવાનો નિર્ણય લીધો હતો. પવિત્ર નવરાત્રિ દરમિયાન ઐતિહાસિક નિર્ણય લઈને આ ધર્માદાનું કાર્ય કરવામાં આવ્યું હતું.