ક્યાંથી ભણશે ગુજરાત ? શિક્ષણ સમિતિની શાળામાં 600થી વધુ શિક્ષકોની ઘટ
સુરત (Surat) મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ગુજરાતી માધ્યમની શાળાઓમાં(School) 600 થી વધુ શિક્ષકોની ઘટ છે. જેની અસર ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પર પડી રહી છે. આથી શિક્ષકોની ભરતી કરવા સંદર્ભે મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી હતી.
ગુજરાત રાજ્યની વિધાનસભામાં તમામ માધ્યમની અને તમામ બોર્ડની શાળાઓમાં પ્રાથમિક શિક્ષણમાં ગુજરાતી ભાષા ફરજિયાત કરતો ખરડો પાસ કરવામાં આવ્યો છે. સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં શિક્ષકોની ઘટ છે.
તે સંદર્ભે સમિતિના પૂર્વ સભ્ય સુરેશ સુહાગિયા દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી હતી કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં હાલ ગુજરાતી, અંગ્રેજી, ઉર્દૂ, ઉડિયા, હિન્દી, મરાઠી અને તેલુગુ સહિત સાત માધ્યમમાં 1.70 લાખથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. તેની સામે ગુજરાતી માધ્યમની શાળાઓમાં 600થી વધુ શિક્ષકોની ઘટ છે. જેની અસર ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પર પડી રહી છે. આથી ગુજરાતી ભાષામાં શિક્ષકોની જે ઘટ છે તેની પૂરતી કરવામાં આવે. જેથી વિદ્યાર્થીઓને ગુજરાતી ભાષાનું પૂરતું જ્ઞાન અને શિક્ષણ મળી રહે.