સરોલી રેલવે ઓવરબ્રિજ શરૂ થવાની સાથે જ સુરત ઓલપાડ સીટી બસ સેવાનો પણ પ્રારંભ
ગત રવિવારના રોજ મુખ્યમંત્રીની(CM) વર્ચ્યુઅલ ઉપસ્થિતિ વચ્ચે સુરત ઓલપાડને(Olpad) જોડતા સરોલી રેલ્વે ઓવર બ્રિજનું લોકાર્પણ થયું છે. આ રેલ્વે ઓવર બ્રિજ શરુ કર્યા બાદ, સુરત મનપાએ આ રૂટ પર સિટી બસ સેવા પણ શરૂ કરી દીધી છે. આઠ મહિના પહેલાં અહી હયાત જુના જર્જરિત બ્રિજનો એક તરફનો ભાગ બેસી જતા ગત 18 ઓગસ્ટ 2022થી મનપાએ સિટી બસ સેવા બંધ કરી દીધી હતી. એસટી બસની સંખ્યા મર્યાદિત હોવાથી લોકોને ખુબ હાલાકી પડી રહી હતી અને કેટલાક રિક્ષાચાલકોએ મુસાફરોને મનસુફી મુજબના ભાડા વસૂલીને લુંટ્યા હતા. સીટી બસ સેવા શરુ થઇ જતા હવે લોકોને મોટી રાહત થશે.
સુરત ઓલપાડ વચ્ચે વર્ષ 1990 સરોલી રેલવે ઓવરબ્રિજ નો એક તરફનો હિસ્સો ઓગસ્ટના રોજ વહેલી સવારે બેસી જતાં, તે દિવસથી મનપાની સીટી બસનો ઓલપાડ સુરતનો રૂટ બંધ કરી દેવામાં આવ્યો હતો. ઓલપાડ-સુરત વચ્ચે દોડતી સીટી બસ 108 નંબર થી દોડતી હતી અને આ વિસ્તારના રહીશોને અવર જવર માટે આર્શીવાદરૂપ હતો. પરંતુ બ્રિજ બેસી ગયાં બાદ વાયા જોથાણનો રૂટ શરૂ થતાં સીટી બસ સેવા બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
બ્રિજ બેસી ગયાના આઠ મહિના બાદ મનપાના નિર્માણાધીન બ્રિજનો એક તરફનો 3 લેનનો બ્રિજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની વર્ચ્યુઅલ હાજરી સાથે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ગઈકાલે બ્રિજ ખુલ્લો મુકાવા સાથે જ ઓલપાડ-સુરત સીટી બસ સેવાનો 108 નંબરનો રૂટ પણ શરૂ કરી દેવામા આવ્યો છે. તેના કારણે ઓલપાડ-સુરત વચ્ચે અપડાઉન કરતા લોકોને મોટી રાહત થઈ છે. આ બસ સેવા બંધ હતી ત્યારે રામનગરથી ઓલપાડ સુધી ક્ષમતા કરતાં વધુ મુસાફરો ભરીને રીક્ષા દોડતી હતી.