તથ્યની જેમ અકસ્માત કરનાર સુરતના સાજન પટેલ વિરુદ્ધ ડ્રીંક એન્ડ ડ્રાઈવનો ગુનો દાખલ કરાયો

0

શહેરના કાપોદ્રામાં રાત્રે બીઆરટીએસ રૂટમાં બેફામ દોડી રહેલી એક કારે ત્રણ બાઈક ચાલક સહિત છ નાગરિકોને અડફેટે લેતાં ભારે ચકચાર મચી જવા પામી હતી. અમદાવાદના નબીરા તથ્ય પટેલ વિરૂદ્ધ નાગરિકોમાં હજી આક્રોશ ઠંડો પડ્યો નથી ત્યારે સુરત શહેરમાં આ પ્રકારની ઘટનાને પગલે લોકોએ અકસ્માત સર્જનાર કાર ચાલકને બરાબરનો મેથીપાક આપ્યો હતો. અલબત્ત, ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો પણ દુર્ઘટના સ્થળે દોડી ગયો હતો. જ્યાં તમામ ઘાયલોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. હાલ પોલીસ દ્વારા દુર્ઘટના અંગે પ્રાથમિક ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર ઉત્રાણ ખાતે રાજપુત ફળિયામાં રહેતો અને કાર લે- વેચનો ધંધો કરતો 27 વર્ષીય સાજન પટેલ રવિવારે રાત્રે પોતાના મિત્રના જન્મ દિનની ઉજવી કર્યા બાદ રાત્રે 11 વાગ્યાની આસપાસ કાપોદ્રામાં શ્રીરામ મોબાઈલ પાસે બીઆરટીએસ રૂટમાં કાર પુરપાટ ઝડપે હંકારી મુકી હતી. દારૂની નશામાં કાર ચલાવી રહેલા સાજન પટેલે જોતજોતામાં જ સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો અને એક પછી એક ત્રણ બાઈક સવારોને અડફેટે લીધા હતા. આંખની પલકના ઝપકારામાં જ સર્જાયેલી આ દુર્ઘટના બાદ તો સાજન પટેલ પોતાનો જીવ બચાવવાના ચક્કરમાં ત્યાંથી નાસી છૂટવાનો પ્રયાસ કર્યા હતા. જો કે, અકસ્માતને પગલે કાર દુર્ઘટનાગ્રસ્ત થતાં લોકોનું ટોળું ઘટના સ્થળે ઘસી ગયું હતું. આ દુર્ઘટનાને પગલે કાપોદ્રામાં જ રચના સોસાયટીમાં રહેતા 24 વર્ષીય કિશન અશ્વિન હિરપરા, ઉમરામાં સૌરાષ્ટ્ર ગ્રીન સોસાયટીમાં રહેતા 23 વર્ષીય વિશ્રુત ગુંદાણીય, વરાછાની ભગીરથ સોસાયટીમાં રહેતા 19 વર્ષીય વિવેક બ્રિજલ બોરિયા અને રચના સોસાયટીમાં રહેતા 20 વર્ષીય યશ રમેશ ઘેવરિયા સહિત કુલ છ જણાને નાની – મોટી ઈજાઓ પહોંચી હતી.

દારૂના નશામાં છાટકા બનીને કાર હંકારનાર સાજન પટેલને લોકોએ તાત્કાલિક ઝડપી પાડ્યો હતો અને પોતાનો આક્રોશ તેના પર ઠાલવ્યો હતો. ક્રોધે ભરાયેલા લોકોએ સાજન પટેલને બરાબરનો મેથી પાક આપતાં તેને પણ ઈજાઓ પહોંચી હતી. આ દરમિયાન ઘટના સ્થળે પહોંચેલ પોલીસની ટીમે તાત્કાલિક ઘાયલોને ખાનગી હોસ્પિટલમાં પીપી માણિયા, પીપી સવાણી અને માધવ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે દારૂના નશામાં કાર ચલાવી રહેલા સાજન પટેલની અટકાયત કરીને સ્મીમેર હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ માટે લઈ ગયા હતા.

કાપોદ્રા સહિત સમગ્ર શહેરમાં ચર્ચાસ્પદ બનેલ અકસ્માતને પગલે લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે ત્યારે આ ઘટનાની તપાસ કરી રહેલા કાપોદ્રા પોલીસ મથકમાં ફરજ બજાવતાં પીએસઆઈ એ. આર. રાઠોડે જણાવ્યું હતું કે, હાલ આરોપી સાજન પટેલની મેડિકલ ચેકઅપ બાદ ધરપકડ કરવામાં આવી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને લેતાં તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, તપાસને અંતે આરોપી સાજન પટેલ વિરૂદ્ધ ડ્રિંક એન્ડ ડ્રાઈવ સહિત અકસ્માતની ફરિયાદ દાખલ કરવામાં આવશે અને બપોર બાદ રિમાન્ડ અર્થે કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવશે.

અકસ્માતને પગલે કારની એરબેગ્ઝ પણ ખુલી ગઈ હતી

કાપોદ્રામાં બીઆરટીએસ રૂટમાં દારૂ પીને ભાન ભુલેલા સાજન પટેલ દ્વારા સર્જવામાં આવેલા અકસ્માતમાં એક પછી એક એમ છ નાગરિકોને ઈજાઓ પહોંચી હતી. દુર્ઘટના સમયે કાર એટલી તીવ્ર ઝડપે દોડી રહી હતી કે અકસ્માતને પગલે કારમાં બંને એર બેગ પણ ખુલી જવા પામી હતી. એક તરફ સાજન પટેલ દ્વારા પોતાના બચાવમાં કાર ધીરે હોવાનું જણાવ્યું હતું જ્યારે એર બેગ ખુલી જવાને કારણે કાર બેફામ દોડી રહી હોવાનું ફલિત થયું હતું. હાલમાં કારનો કબ્જો લઈને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. બીજી તરફ આરટીઓ દ્વારા પણ કારના માલિક અંગેની તપાસ હાથ ધરવામાં આવી છે.

દુર્ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો

કાપોદ્રામાં મિત્રની બર્થ-ડેમાં દારૂ ઢીંચીને ઘર તરફ પરત ફરી રહેલા સાજન પટેલ દ્વારા સર્જવામાં આવેલા અકસ્માતને પગલે શહેરીજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. રસ્તા પર દોડતા વાહન ચાલકો અને રાહદારીઓ માટે કાળ બની રહેલા આવા નબીરાઓ વિરૂદ્ધ સખ્ત કાર્યવાહીની માંગ ઉઠી રહી છે ત્યારે સમગ્ર દુર્ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી. જે જોત જોતામાં જ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. આ દુર્ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને હવે પોલીસ દ્વારા પણ આરોપી સાજન પટેલ વિરૂદ્ધ સખ્ત કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે અને રિમાન્ડ દ્વારા તેની સઘન પૂછપરછ હાથ ધરાશે.

સાજન પટેલે ક્યાં અને કોની સાથે દારૂ પીધો તેની તપાસ થશે

ઉત્રાણના રાજપુત ફળિયામાં રહેતા અને કાર લે – વેચનો ધંધો કરતાં 27 વર્ષીય સાજન ઉર્ફે સન્ની પટેલની હાલ કાપોદ્રા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને બપોર બાદ કોર્ટ સમક્ષ રિમાન્ડ માટે રજુ કરવામાં આવશે. જો કે પ્રાથમિક તપાસને અંતે આરોપી સાજન પટેલ મિત્રના જન્મ દિનની પાર્ટીમાંથી પરત ફરી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે ત્યારે તેણે ક્યાં અને કોની – કોની સાથે દારૂ પીધો હતો તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવશે અને દારૂની મહેફિલ માણનારા સાજન પટેલના અન્ય મિત્રોને પણ જેલના સળિયા પાછળ ધકેલવાની કવાયત કાપોદ્રા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. જેને પગલે સાજન પટેલના મિત્ર વર્તુળમાં પણ આ ઘટનાને પગલે ચકચાર મચી જવા પામી છે.

દુર્ઘટનાને પગલે કારની ફોરેન્સિક તપાસ કરવામાં આવશે

અમદાવાદમાં ઈસ્કોન બ્રિજની દુર્ઘટના બાદ પોલીસ દ્વારા મેગા અભિયાન હાથ ધરીને દારૂ પીને વાહન ચલાવનારાઓ સહિત બેફામ બાઈક – કાર હંકારનારાઓ વિરૂદ્ધ સખ્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સુરત જ નહીં સમગ્ર રાજ્યમાં બેફામ વાહન હંકારાનારાઓ વિરૂદ્ધ અભિયાનને પગલે એક તબક્કે પોલીસની સઘન ઝુંબેશની પણ નાગરિકો દ્વારા સરાહના કરવામાં આવી હતી. જોકે, આ કવાયત વચ્ચે રવિવારે કાપોદ્રા બીઆરટીએસમાં દારૂ પીને છ જણાને અકસ્માતની ઘટના બાદ વધુ એક વખત સુરત પોલીસના માથે માછલાં ધોવાઈ રહ્યા છે ત્યારે પોલીસ હવે સાજન પટેલ વિરૂદ્ધ સજ્જડ પુરાવાઓ મેળવવા માટે તજવીજ હાથ ધરી છે. હાલમાં કારની માલિકી સહિતના પુરાવાઓ માટે આરટીઓ વિભાગ પણ તપાસમાં જોતરાયું છે. આ સિવાય અકસ્માત બાદ પોલીસે કારનો કબ્જો લીધા બાદ ફોરેન્સિક તપાસ માટેના ચક્રો પણ ગતિમાન કર્યા છે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *