બે આતંકવાદી ઠાર : બડગામમાં એસએસપી ઓફિસ પાસે સુરક્ષા દળોએ કર્યું એન્કાઉન્ટર
જમ્મુ અને કાશ્મીરના(J&K) બડગામમાં મંગળવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ(Terrorist) વચ્ચે એન્કાઉન્ટર (Encounter) થયું હતું. અથડામણમાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા. મળતી માહિતી મુજબ, આ એન્કાઉન્ટર બડગામ એસએસપી ઓફિસ પાસે થયું હતું. અહીં સુરક્ષાદળોને બે આતંકવાદીઓની હાજરીની માહિતી મળી હતી, ત્યારબાદ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.
સુરક્ષા દળોએ પહેલા બંને આતંકીઓને ઘેરી લીધા અને પછી ઓપરેશન શરૂ કર્યું. બંને આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. સેનાના એક અધિકારીએ જણાવ્યું કે આ વિસ્તારમાં આતંકવાદીઓની હિલચાલની માહિતી મળ્યા બાદ સૈનિકોએ બડગામમાં મોબાઈલ વાહન ચેકપોસ્ટ સ્થાપી. અધિકારીએ જણાવ્યું હતું કે, “તપાસ માટે એક કેબને રોકવાનો સંકેત આપવામાં આવ્યો હતો, પરંતુ અંદર રહેલા આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો હતો, જેનો તરત જ જવાબી કાર્યવાહી કરવામાં આવી હતી.”
આતંકવાદીઓની ઓળખ
એન્કાઉન્ટરની વિગતો આપતા ADGP કાશ્મીરે જણાવ્યું હતું કે, “બંને માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ પુલવામાના અરબાઝ મીર અને શાહિદ શેખ તરીકે કરવામાં આવી છે, જેઓ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર સાથે સંકળાયેલા હતા. બંને આતંકવાદીઓ અગાઉના એન્કાઉન્ટરમાંથી ભાગી ગયા હતા.”