વરાછામાં બાંધકામ ન તોડવા માટે 35 હજારની લાંચ લેતાં મનપાના બે કર્મચારી ઝડપાયા
શહેરના(Surat) વરાછા ઝોનમાં શહેર વિકાસ વિભાગમાં ફરજ બજાવતાં જુનિયર ઈજનેર અને ચોથા વર્ગના કર્મચારી મકાનના બીજા અને ત્રીજા માળનું બાંધકામ નહીં તોડવા માટે લાંચ લેતાં રંગે હાથ ઝડપાઈ ગયા હતા. એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી)ના છટકામાં બંને આરોપીઓ ઝડપાઈ જતાં વરાછા ઝોનમાં ફરજ બજાવતાં કર્મચારીઓમાં પણ સોપો પડી ગયો હતો.હાલ એસીબી દ્વારા બંને આરોપીઓની ધરપકડ બાદ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
વરાછા ઝોનમાં સમાવિષ્ટ પુણા વિસ્તારમાં એક વ્યક્તિ દ્વારા પોતાના મકાનમાં બીજા અને ત્રીજા માળનું બાંધકામ કરવામાં આવ્યું હતું. જે બાંધકામ ગેરકાયદેસર હોવાનું જણાવીને વરાછા ઝોનમાં શહેરી વિકાસ વિભાગમાં ફરજ બજાવતાં કેયુર રાજેશ પટેલ દ્વારા આ મકાનનું બાંધકામ નહીં તોડવા માટે 50 હજાર રૂપિયાની લાંચની માંગ કરવામાં આવી હતી. જો કે, મકાન માલિક દ્વારા આ સંદર્ભે 50 હજાર રૂપિયા આપવામાં પોતાની અસમર્થતા દાખવવામાં આવતાં અંતે રકઝકને અંતે કેયુર પટેલ દ્વારા 35 હજાર રૂપિયામાં મકાનનું બાંધકામ ન તોડવા અંગે સમ્મતિ દર્શાવવામાં આવી હતી.
બીજી તરફ મકાન માલિક દ્વારા લાંચની રકમ આપવાને બદલે સમગ્ર ઘટના અંગે એસીબીના અધિકારીઓનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. જેને પગલે એસીબીના અધિકારીઓ દ્વારા ટ્રેપ ગોઠવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેને આધારે ગઈકાલે મોડી સાંજે મકાન માલિકા દ્વારા લાંચના રૂપિયા આપવા માટે કેયુર પટેલનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જો કે, કેયુર પટેલ પોતે લાંચની રકમ સ્વીકારવાને બદલે વરાછા ઝોનમાં જ શહેરી વિકાસ વિભાગમાં પટાવાળા તરીકે ફરજ બજાવતાં નિમેષ રજનીકાંત ગાંધીને મોકલ્યો હતો.
પુણા ગામ પાસે આવેલ વોર્ડ ઓફિસની સામે નિમેષ રજનીકાંત ગાંધી મકાન માલિક પાસેથી 35 હજાર રૂપિયાની લાંચ લેતાં એસીબીના હાથે રંગે ઝડપાઈ ગયો હતો. જેની સઘન પૂછપરછ હાથ ધરતાં કેયુર પટેલ પણ વરાછા ઝોનમાં જ હાજર હોવાનું જાણવા મળ્યું હતું. જેને પગલે એસીબીની ટીમ દ્વારા વરાછા ઝોન પહોંચીને કેયુર પટેલને પણ ઝડપી પાડવામાં આવ્યો હતો. એસીબીના હાથે શહેરી વિકાસ વિભાગના બંને કર્મચારીઓની ધરપકડના સમાચાર સમગ્ર વરાછા ઝોનમાં વાયુવેગે પ્રસરી જતાં ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. હાલ પોલીસ દ્વારા બંને આરોપીઓની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે.