ડભોલીમાં દેવીપૂજક સમાજની દેરીને સળગાવી દેવાને પગલે કમિશનરને આવેદન
શહેરના ડભોલી ખાતે ઘનશ્યામ નગરમાં જમીન ખાલી કરાવવા માટે દેવીપૂજક સમાજ દ્વારા બનાવવામાં આવેલ માતાજીની દેરી (Temple) સળગાવવાની ઘટનાને પગલે ભારે ચકચાર મચી જવા પામી છે. જમીન માલિક દ્વારા છેલ્લા 30 વર્ષથી અહિંયા વસવાટ કરી રહેલા દેવીપૂજકોને હટાવવા માટે તેમના મંદિરને પેટ્રોલ છાંટીને આગ ચાંપી દેવામાં આવી હતી. આ ઘટનાના વિરોધમાં મોટી સંખ્યામાં દેવીસમાજના નાગરિકો દ્વારા ભારે વિરોધ અને સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢીને પોલીસ કમિશનરને આવેદન પાઠવવામાં આવ્યું હતું.
સિંગણપોરમાં ડભોલી ખાતે ઘનશ્યામ નગરમાં રહેતા રવજી શંભુભાઈ પટેલ દ્વારા પોતાની માલિકની જમીન પર છેલ્લા કેટલાક સમયથી કાચા – પાકા ઝુંપડા બનાવીને દેવીપૂજક સમાજના નાગરિકો વસવાટ કરી રહ્યા છે. આ સમાજના લોકો દ્વારા જમીનની પાસે જ ધાર્મિક વિધિ માટે તાડ માતા દેવીનો ફોટો મુકીને નાનું મંદિર બનાવવામાં આવ્યું હતું.
જો કે, રવજી પટેલ દ્વારા માતાજીને દેરીને આગ ચાંપી દેવાની ઘટનાને પગલે દેવીપૂજક સમાજમાં ભારે વિરોધ ફાટી નીકળ્યો હતો. પોલીસ કમિશનરને આવેદન પત્ર પાઠવવા માટે પહોંચેલા દેવીપૂજક સમાજના નાગરિકોએ ભારે આક્રોશ સાથે જણાવ્યું હતું કે, આરોપી દ્વારા જે કૃત્ય કરવામાં આવ્યું છે તે ખરેખર નિંદનીય છે. તેઓએ પોલીસ સમક્ષ રવજી પટેલ વિરૂદ્ધ જમીન માલિકી અંગેની તપાસ હાથ ધરવાની પણ માંગ કરવામાં આવી હતી.