સાળંગપુર ભીંત ચિત્રનો વિવાદ સુરત પહોંચ્યો : કરણી સેના દ્વારા વિવાદાસ્પદ ભીંતચિત્ર હટાવી લેવા બે દિવસનું અલ્ટીમેટમ

સાળંગપુર કષ્ટભંજન હનુમાન મંદિરના ભીંત ચિત્રોના વિવાદની આગ હવે સુરત પહોંચી ચુકી છે. રાજ્યભરમાં હિન્દુ સંગઠનો દ્વારા આ ભીંત ચિત્રો સંદર્ભે ઉગ્ર વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે ત્યારે આજે સુરત શહેરમાં કરણી સેના દ્વારા આ અંગે ભારે આક્રોશ સાથે આગામી 4થી સપ્ટેમ્બર સુધીમાં વિવાદાસ્પદ ભીંત ચિત્ર હટાવી લેવા માટેનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. જેને પગલે ભારે વિવાદ સર્જાવા પામ્યો છે. અગાઉ વિવાદાસ્પદ ભીંત ચિત્રોને પગલે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પણ પોતાનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

શ્રદ્ધાળુઓના આસ્થાના કેન્દ્ર સમાન સાળંગપુર ખાતે હનુમાન દાદાના ભીંત ચિત્રોને પગલે ભારે વિવાદ સર્જાવા પામ્યો છે. આ સમગ્ર ઘટનાને લીધે સાધુ – સંતો બાદ હવે સામાજીક સંસ્થાઓ પણ પોતાનો વિરોધ નોંધાવી રહી છે. સુરત શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ બાદ હવે કરણી સેના દ્વારા આ સમગ્ર ઘટનાક્રમનો ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો છે. સાળંગપુરમાં વિવાદાસ્પદ ભીંત ચિત્રો બાદ હવે બોટાદમાં સ્વામિનારાયણ મંદિરનો વિવાદ દિવસે ને દિવસે ઘેરો બની રહ્યો છે. જે સંદર્ભે આજે કરણી સેનાના કાર્યકરો દ્વારા સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિરોધ પ્રદર્શનમાં જોડાયેલા કરણી સેનાના કાર્યકરોએ સૂત્રોચ્ચાર સાથે આગામી 4થી સપ્ટેમ્બર સુધીમાં આ વિવાદાસ્પદ ભીંત ચિત્રો દુર કરવામાં અંગે અલ્ટીમેટમ ઉચ્ચારવામાં આવ્યું છે અને જો તેમ નહીં કરવામાં આવે તો કરણી સેનાના કાર્યકરો દ્વારા સાળંગપુર ખાતે કુચ કરવામાં આવશે.

આ સંદર્ભે કરણી સેનાના આગેવાન જેનિસ કાતરીયાએ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા દિવસથી ચાલી રહેલા આ વિવાદને પગલે હજ્જારો શ્રધ્ધાળુઓની ભાવનાને ઠેસ પહોંચી છે. આગામી 4થી સપ્ટેમ્બર સુધી જો આ વિવાદાસ્પદ ભીંત ચિત્રો દૂર કરવામાં નહીં આવે તો મોટી સંખ્યામાં સાધુ – સંતો સહિત કરણી સેનાના કાર્યકરો સાળંગપુર પહોંચશે અને મંદિરના સંચાલકોને વિવાદાસ્પદ ચિત્ર જો હટાવવામાં નહીં આવે તો ધર્મયુદ્ધની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

Please follow and like us: