અશ્વનીકુમારમાં કેમિકલયુક્ત પાણી ઉભરાતાં નાગરિકો ત્રાહિમામ : 12 જેટલી ડાઈંગ મિલોને કારણે નાગરિકોના આરોગ્ય સામે મોટું જોખમ

શહેરના અશ્વની કુમાર ફુલપાડા વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી રસ્તા પર લાલ રંગના કેમિકલયુક્ત પાણીના ઉભરાવવાની સમસ્યાને પગલે નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સંદર્ભે સ્થાનિકો દ્વારા અવાર – નવાર વહીવટી તંત્ર સમક્ષ રજુઆત કરવામાં આવી હોવા છતાં કોઈપણ પ્રકારની નક્કર કાર્યવાહી કરવામાં આવી રહી નથી. જેને પગલે કેમિકલયુક્ત પાણીથી પસાર થવા માટે વાહન ચાલકોથી માંડીને રાહદાત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર ફુલપાડા – અશ્વિનીકુમાર વિસ્તારમાં ભવાની સર્કલથી ફુલ માર્કેટ તરફના રસ્તા પર દર સપ્તાહમાં બેથી ત્રણ વખત કેમિકલયુક્ત લાલ રંગનું પાણી ઉભરાતું હોય છે. આ સંદર્ભે સ્થાનિકોના જણાવ્યા અનુસાર આસપાસમાં આવેલ ડાઈંગ મિલોને કારણે આ સમસ્યા ઉદ્ભવી છે અને જે સંદર્ભે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડથી માંડીને મહાનગર પાલિકાના ડ્રેનેજ વિભાગમાં રજુઆત કરવા છતાં અધિકારીઓ દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. સુરત મહાનગર પાલિકાના ડ્રેનેજ વિભાગ પણ આ સમસ્યા સામે વામણું પુરવાર થઈ રહ્યું છે અને કાયમી સમસ્યા છતાં તેના નિરાકરણ માટે ડ્રેનેજ વિભાગ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી.
દર સપ્તાહમાં બે થી ત્રણ વખત સર્જાતી આ સમસ્યાને પગલે પટેલ નગર અને આસપાસની સોસાયટીઓમાં વસવાટ કરતાં 25 હજારથી વધુ નાગરિકોને ભારે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. આ સ્થિતિમાં આગામી દિવસોમાં સ્થાનિકો દ્વારા સુરત મહાનગર પાલિકાના કમિશનર શાલિની અગ્રવાલને ઉગ્ર રજુઆત કરવા અંગેની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.

મનપાના અધિકારીઓની મિલીભગત જવાબદારઃ દિનેશ કાછડીયા
ભવાની સર્કલથી ફુલ માર્કેટ વિસ્તારમાં દર અઠવાડિયામાં બેથી ત્રણ વખત સર્જાતી આ સમસ્યા અંગે પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડીયાએ મહાનગર પાલિકા અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓ પર દોષનો ટોપલો ઢોળ્યો છે. તેઓએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં ઘરે – ઘરે કેન્સર અને ટી.બી.ના દર્દીઓ નોંધાયા છે. આસપાસ આવેલ ડાઈંગ મિલોનું પ્રદૂષિત પાણી નાગરિકો માટે જીવલેણ બની રહ્યું છે તેમ છતાં મહાનગર પાલિકાના અધિકારીઓ દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ સંદર્ભે અવાર – નવાર લેખિત અને મૌખિક રજુઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી.

 

Please follow and like us: