આજે શહેર તથા દક્ષિણ ગુજરાતનું બદલાઈ શકે છે વાતાવરણ : વરસાદની સંભાવના
સુરત(Surat) શહેરમાં ધીમે ધીમે પગલે ઉનાળાની(Summer) શરૂઆત થઈ રહી છે, ત્યારે રવિવારે શહેરમાં ઉત્તર પૂર્વ દિશા તરફથી પવન ફૂંકાયા હતા. જેને કારણે શહેરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે તાપમાનમાં એક ડિગ્રી ઘટાડો થયો હોવા છતાં પણ ગ૨મી ઘણી જ હતી. શહેરનું મહત્તમ તાપમાન 37.6 ડિગ્રી રહ્યું હતું. ઉપરાંત આજે એટલે કે, સોમવારે 6ઠ્ઠીના રોજ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં છૂટક વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગમાંથી જાણવા મળ્યું હતું કે રાજસ્થાન પર એક સરક્યુલેશન સક્રિય થયું છે. જેની સીધી જ અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળી છે.
દરમિયાન છઠ્ઠી માર્ચે એટલે કે સોમવારે સુરતની સાથે નવસારી, વલસાડ સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી છે. હાલમાં દક્ષિણ ગુજરાતમાં કેરીનો પાક તૈયાર થઈ રહ્યો છે. ત્યારે થંડર સ્ટ્રોમ સાથે વરસાદ આવે તો કેરીના પાકને પણ મોટું નુકશાન થઈ શકે છે. શનિવારની સરખામણીએ રવિવારે શહેરમાં પવનની દિશા બદલાઈ હતી. ઉત્તર પૂર્વ દિશા તરફથી પાંચ કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂંકાયો હતો. જેને કારણે શહેરના મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં એક ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. રવિવારે શહેરનું મહત્તમ તાપમાન 37.6 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી રહ્યું હતું, જ્યારે શનિવારે શહેરનું મહત્તમ તાપમાન 38.2 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 24.2 ડિગ્રી રહ્યું છે. આમ, ભેજ આવતા જ શનિવારની સરખામણીએ રવિવારે શહેરમાં ભેજનું પ્રમાણ વધ્યું છે. શનિવારે ભેજનું પ્રમાણ 39 ટકા હતું, જ્યારે રવિવારે તે વધીને 43 ટકા થયું છે.
વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો, કપરાડા તાલુકામાં ઝરમર વરસાદ
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી સાચી ઠરી હૅય તેમ ડાંગ અને વલસાડ જિલ્લામાં છેલ્લા બે દિવસથી હવામાનમાં પલટો આવી ગયો છે. ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં રવિવારે વહેલી સવારે વીજળીનાં કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ તૂટી પડતા સમગ્ર પંથક વાતાવરણ ચોમાસામય બની જવા પામ્યું હતું. ડાંગ જિલ્લામાં સતત બીજા દિવસે પણ વાતાવરણનાં પલટા બાદ કમોસમી વરસાદ તૂટી પડ્યો હતો. શનિવારે મોડી સાંજે વરસાદી માહોલે ડાંગ દરબાર મેળાને પ્રભાવિત કર્યો હતો. સાપુતારા ખાતે સતત બે દિવસથી વાદળછાયા વાતાવરણની સાથે કમોસમી વરસાદ તૂટી પડતા અહીંનું વાતાવરણ આહલાદક બની જવા પામ્યું હતું. વલસાડ જિલ્લામાં છેલ્લા બે દિવસથી હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે.
શાકભાજી અને કેરીની મંજરીઓને નુકસાનની ભીતિ
ગઈકાલે વલસાડ જિલ્લા તથા વાપી તાલુકા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી છાંટા તો ક્યાંક ઝરમર વરસાદ વરસ્યો હતો. અહીંના હવામાનમાં ફેરફાર થઈ ગયો છે. રવિવારે કપરાડા તાલુકાના કેટલાક વિસ્તારોમાં કમોસમી ઝરમર વરસાદ વરસ્યો હતો. જેને લઈ લીલા શાકભાજી, કેરીની કુટેલી મંજરીઓને પણ નુકશાનની ભીતિ સેવાઇ રહી છે. એજ રીતે મરચા, વેંગણ સહિત લીલા શાકભાજીના પાકમાં જીવાત પડવાની શક્યતા ખેડૂતો જણાવી રહ્યાં છે.