મેચમાં નોટ આઉટ પણ જિંદગીની રમતમાં ઓલપાડનો યુવાન થઇ ગયો આઉટ : ક્રિકેટ રમતા આવ્યો એટેક
ઓલપાડના (Olpad) નરથાણ ગામ વિસ્તારમાં રહેતા 32 વર્ષિય યુવકને ક્રિકેટ (Cricket) રમતા-રમતા છાતીમાં દુખાવો થયો હતો. તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો જ્યાં સારવાર દરમિયાન યુવકનું મોત નિપજ્યું હતું. ઓલપાડ તાલુકાના નરથાણ ગામ ખાતે KNVSS એકતા કપ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું
નરથાણ, વેલુક, કાછોલ, કાસલાખુર્દ, કાસલાબુજરાંગ, સરસ, કુદિયાણા, કુવાદ સહિત આઠ ગામો વચ્ચે યુવા સંગઠન વધુ મજબૂત બને એવા શુભ આશયથી સિઝન બોલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જે પૈકી નરથાણ અને વલુક ગામ વચ્ચે મેચ યોજાઈ હતી. જેમાં નરથાણની ટીમે ટોસ જીતી પ્રથમ દાવ લઈ 20 ઓવરમાં 208 રન બનાવ્યા હતા. નરથાણ અને વલુક ગામ વચ્ચે યોજાયેલી મેચમાં નિમેષ આહિરે 3 ફોર અને 4 સિક્સ મળીને 18 બોલમાં 41 રન કર્યા હતા.
ક્રિકેટપ્રેમી યુવાનો સતત કેમ ગુજરી રહ્યાં છે?
ઉલ્લેખનીય છે કે મહિના પહેલા ઘલુડી ગામના યુવકનું સેલુત ગામમાં ક્રિકેટ મેચ રમતી વખતે હૃદયરોગનો હુમલો થતાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું આ ઘટનાને હજુ શાહી સુકાઈ નથી, પખવાડિયા પહેલા સુરતના વરાછામાં એક યુવકનું ક્રિકેટ રમ્યા બાદ મોત નિપજ્યું હતું. રાજકોટમાં પણ એક પત્રકારનું ક્રિકેટ રમતી વખતે મોત નિપજ્યું હતું. ત્યાર બાદ ફરીવાર નરથાણ ગામમાં ક્રિકેટ રમતી વખતે યુવકનું મોત નિપજ્યું છે.