Gujarat : અમરેલીમાં સિંહને હેરાન કરવા બદલ ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરાઈ
ગુજરાતના (Gujarat ) અમરેલી જિલ્લાના એક ગામમાં સિંહને (Lion ) હેરાન કરવા અને તેને તેના શિકારથી દૂર ભગાડવા બદલ બુધવારે ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. વન વિભાગના એક અધિકારીએ આ માહિતી આપી છે. રાજ્યના વન વિભાગના શેત્રુંજી વન્યજીવ વિભાગ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવાયું છે કે ત્રણ આરોપીઓમાંથી બે ગુજરાત બહારના છે.
રિલીઝ અનુસાર, ત્રણેય આરોપીઓએ મંગળવારે ઘટનાનો વીડિયો બનાવ્યો અને તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો, જે બાદમાં તે વિડીયો વાયરલ થયો. જેમાં કહેવામાં આવ્યું છે કે વીડિયોમાં વાહનમાં બેઠેલા કેટલાક લોકો સિંહનો પીછો કરતા જોઈ શકાય છે.
તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ વીડિયો મંગળવારે અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના લુણસાપુર ગામનો છે. વન વિભાગના જણાવ્યા અનુસાર સિંહ વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ શેડ્યૂલ-1 હેઠળ આવે છે અને કાયદા દ્વારા આવા કૃત્યો પ્રતિબંધિત છે.
વન વિભાગે ગીર સોમનાથ જિલ્લાના મનોજ વંશ (30), આસામના વતની રાણા કલિતા (30) અને આ ઘટનાના સંબંધમાં અન્ય એક આરોપીની ધરપકડ કરી હતી. ત્રીજા આરોપીની ઉંમર 18 વર્ષ છે અને તે ઉત્તર પ્રદેશનો રહેવાસી છે. ત્રણેય આરોપીઓ સામે વન્યજીવ સંરક્ષણ અધિનિયમની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.