અપાર આસ્થા : આ વખતે ચાર ધામ યાત્રા માટે તૂટશે રેકોર્ડ, અત્યારસુધી 15 લાખથી વધુ રજીસ્ટ્રેશન
ચાર ધામ યાત્રા માટે યાત્રીઓની(Tourists) નોંધણીનો આંકડો 15 લાખને પાર કરી ગયો છે. અત્યાર સુધીમાં 15,38,978 ભક્તોએ નોંધણી કરાવી છે. કેદારનાથ ધામ માટે સૌથી વધુ નોંધણી કરવામાં આવી છે. યાત્રાની શરૂઆત સાથે ઓફલાઈન રજીસ્ટ્રેશન પણ શરૂ થશે. 22મી એપ્રિલથી ચારધામ યાત્રા શરૂ થશે.
અક્ષય તૃતીયાના અવસર પર 22 એપ્રિલે ગંગોત્રી અને યમુનોત્રી ધામના દરવાજા ખોલવામાં આવશે. કેદારનાથ ધામના દરવાજા 25 એપ્રિલે અને બદ્રીનાથ ધામના દરવાજા 27 એપ્રિલે ખોલવામાં આવશે.
આ વખતે નોંધણીનો રેકોર્ડ તૂટે તેવી શક્યતા છે. પ્રવાસન વિભાગે 21 ફેબ્રુઆરીથી નોંધણી શરૂ કરી હતી. કેદારનાથ માટે 5,47,079 મુસાફરો, બદ્રીનાથ માટે 4,62,359, ગંગોત્રી માટે 2,80,566, યમુનોત્રી માટે 2,41,311 અને હેમકુંડ સાહિબ માટે 7,642 મુસાફરોએ નોંધણી કરાવી છે.