Surat: સિવીલ હોસ્પિટલમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ, પાણીનો વેડફાટ અને દર્દીઓને હાલાકી
હર વિવાદોમા રહેતા સુરત નવી સિવિલ હોસ્પિટલ તંત્રની ફરી એકવાર બેદરકારી છતી થઈ છે. દર્દીઓને હાલાકી, હોસ્પિટલમાં કુતરા પ્રવેશવા, સફાઈની જાળવણી જેવા મુદ્દે અનેકવાર સુરત નવી સિવિલ હોસ્પિટલ અવારનવાર વિવાદોમાં જોવા મળે છે ત્યારે હવે આજ સિવિલ હોસ્પિટલમાં હજારો લિટર પાણીનો વેડફાટ થતાં ફરી એકવાર સિવિલ હોસ્પિટલની લાલીયાવાડી સામે આવી છે. સુરત સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર બહાર બેદરકારીને કારણે હજારો લિટર પાણીનો વેડફાટ થયો હતો.અને સાથે જ દર્દીઓને પણ પાણીનો ભરાવો થવાને કારણે હાલાકી નો સામનો કરવો પડ્યો હતો.
સુરત નવી સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર બહાર પાણી હજારો લિટર પાણીનો વેડફાટ થયો હતો અને તે પાણી ભરાઈ જવાને કારણે હોસ્પિટલમાં ભર ઉનાળે ચોમાસા જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.સીવીલ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પાણીની મોટર સમયસર બંધ ન કરવામાં આવતા ટાંકી ઓવરફ્લો થઈ હતી અને પાણી ઉભરાઈને ટ્રોમા સેન્ટર સુધી પહોંચી ગયું હતું. અને હજારો લિટર પાણીનો વેડફાટ થયો હતો. પરંતુ સવાલ એ ઉભો થાય છે કે આટલું બધું પાણી વહી રહ્યું હતું ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિએ કેમ મોટર બંધ કરવાની તકેદારી નહીં લીધી હોય.
તો બીજી તરફ ત્રોમા સેન્ટર પાસે ટાંકી ઓવર ફ્લો થયા બાદ પાણીનો ભરાવો થતાં હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને તબીબોને પણ હાલાકી ભોગવવી પડી હતી.દર્દીઓને સ્ટ્રેચર પર લાવવા લઇ જવા માટે પણ પાણીમાંથી પસાર થઈને લોકો ચાલવા મજબૂર બન્યા હતા. સુરત નવી સિવિલ હોસ્પિટલ કે જ્યાં આજુબાજુના ગામડાઓ અને શહેરોમાંથી હજારો દર્દીઓ સારવાર માટે આવતા હોય છે ત્યાં અવારનવાર તંત્રની આ પ્રકારની બેદરકારી સામે આવતા અનેક સવાલો ઊભા થાય છે.