સુરતના ઐતિહાસિક કિલ્લામાં લાઈટ એન્ડ સાઉન્ડ શોથી જીવંત થશે ભૂતકાળ અને ભવિષ્ય
સુરતની (Surat) ઐતિહાસિક ધરોહર સમાન કિલ્લાના (Fort) મેદાનના રીસ્ટોરેશનની 54 કરોડના ખર્ચે કરવામાં આવેલી કામગીરી બાદ 29 સપ્ટેમ્બર, 2022ના રોજ વડા પ્રધાન મોદીના હસ્તે કિલ્લાના મેદાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સુરતના ઇતિહાસને મુલાકાતીઓ સમક્ષ ગણતરીની મિનિટોમાં રજૂ કરી શકાય તે હેતુથી મનપા દ્વારા લેસર લાઇટ એન્ડ સાઉન્ડ શો માટેનું આયોજન પણ કરાયું છે.
આગામી ત્રણ મહિનામાં ઐતિહાસિક કિલ્લાની મુલાકાતે આવનાર મુલાકાતીઓ માટે લેસર લાઇટ એન્ડ સાઉન્ડ શો શરૂ કરવાનું મનપાનું આયોજન છે. સ્માર્ટ સિટી મિશન અંતર્ગત સ્માર્ટ સિટી કંપનીએ આ અંગે 6 વર્ષના કોમ્પ્રિહેન્સિવ મેઇન્ટેનન્સ તથા ઓપરેશન સાથે કુલ 13.50 કરોડના ખર્ચે કોન્ટ્રાક્ટ પણ સોંપી દીધો છે.
ત્રણ ભાષામાં શો પ્રદર્શિત કરાશે :
ઐતિહાસિક કિલ્લા રીસ્ટોરેશન પ્રોજેક્ટની જવાબદારી સંભાળતા ડે. કમિશનર ધર્મેશ મિસ્ત્રીએ જણાવ્યું કે, કિલ્લાની અંદરના કેમ્પસમાં આવેલ ટ્રેઝરી એન્ડ ડચ લાઇફસ્ટાઇલ બિલ્ડિંગ, બ્રિટિશ બેરેક્સ બિલ્ડિંગ તથા રોયલ બુર્જની બહારની સપાટી પર અત્યાધુનિક આરજીબી લેસર પ્રોજેક્ટ્સ, વિવિધ પ્રકારની 60 ડાયનેમિક ફસાદ લાઇટ ફિટિંગ્સ તથા ઇમર્સિવ સાઉન્ડ સીસ્ટમની મદદથી સુરતના ઇતિહાસ, વર્તમાન તથા ભવિષ્યને આવરી લેતાં લેસર લાઇટ એન્ડ સાઉન્ડ શો મુલાકાતીઓને પ્રદર્શિત કરાશે. જુદાંજુદાં ત્રણ શો બતાવવામાં આવશે અને અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી ભાષામાં દરેક શો પ્રદર્શિત કરાશે. દરેક શોની લંબાઇ 15 થી 20 મિનિટ રાખવામાં આવશે. એકસાથે 250 વ્યક્તિઓ આ લેઝર એન્ડ સાઉન્ડ શો જોઇ-સાંભળી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવશે.