Surat : કવિ કલાપી ગાર્ડનના તળાવમાં પાણીનું જળસ્તર બન્યું ચિંતાનો વિષય

0

રાંદેર ઝોનમાં આવેલા કવિ કલાપી લેક ગાર્ડનમાં લાખ્ખોના ધુમાડા બાદ પણ પાણીના અભાવે સુકાભઠ્ઠ પડેલા તળાવને નવપલ્લિત કરવા સંદર્ભે આજે મેયર દ્વારા ગાર્ડનની મુલાકાત લેવામાં આવી હતી. અધિકારીઓ સાથે સ્થાનિક કોર્પોરેટરની ઉપસ્થિતિ વચ્ચે મેયર હેમાલી બોઘાવાલા દ્વારા પાણીના અભાવે સુકાયેલા તળાવની સમસ્યા અંગે વિગતવાર ચર્ચા બાદ તેના નિરાકરણ માટેની કવાયત હાથ ધરી હતી.

સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર રાંદેર વિસ્તારના નાગરિકો માટે મહાનગર પાલિકા દ્વારા બનાવવામાં આવેલ કવિ કલાપી ગાર્ડન છેલ્લા કેટલાક સમયથી અસુવિધાઓ અને સમસ્યાઓનું કેન્દ્ર બનવા પામ્યું છે. ગાર્ડનમાં બનાવવામાં આવેલ તળાવના નિર્માણ બાદથી આજ દિન સુધી તેનું જળસ્તર સાચવવાની મથામણ પાલિકાના વહીવટી તંત્ર માટે સિરદર્દ સાબિત થઈ રહ્યું છે. અનેકો પ્રયાસો બાદ પણ છલ્લોછલ્લ ભરવામાં આવતું તળાવ ગણતરીનાં દિવસોમાં સુકાઈ જવા પામે છે. આ સ્થિતિમાં તળાવનું નિર્માણ કરવા દરમ્યાન કોઈ પ્રકારની ટેક્નીકલિ ક્ષતિ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. બીજી તરફ આ સંદર્ભે જાણકારોના અભિપ્રાય મુજબ નદીના જળસ્તર કરતાં તળાવ નીચું હોવાને કારણે તેમાં પાણીનો સંગ્રહ થવામાં સમસ્યા ઉદ્ભવી રહી છે. આ અંગે સ્થાનિકો દ્વારા અનેક વાર આ અંગેની છાશવારે ફરિયાદો કરવામાં આવતાં અંતે આજે સવારે મેયર હેમાલી બોઘાવાલા દ્વારા સ્થાનિક કોર્પોરેટરો અને ઝોનના અધિકારીઓ સાથે તળાવની મુલાકાત લેવા સાથે આ સમસ્યાના સમાધાન અંગે સઘન ચર્ચા – વિચારણા હાથ ધરી હતી.

ગાર્ડનમાં ટ્રીટમેન્ટ પ્લાન્ટની અસહ્ય દુર્ગંધ સ્થાનિકો માટે સિરદર્દ
રાંદેર વિસ્તારના નાગરિકોની સુવિધાને ધ્યાને રાખીને મહાનગર પાલિકા દ્વારા બનાવવામાં આવેલ કવિ કલાપી ગાર્ડન યેન કેન પ્રકારે સમસ્યાઓનું કેન્દ્ર બનવા પામ્યું છે. એક તરફ લાખ્ખો રૂપિયાનો ધુમાડો કરવા છતાં તળાવમાં પાણીનો સંગ્રહ કરવામાં તંત્રને સફળતા સાંપડી રહી નથી તો બીજી તરફ ગાર્ડનમાં જ બનાવવામાં આવેલ ટ્રીટમેન્ટ પ્લાન્ટને કારણે આસપાસના નાગરિકોની હાલત કફોડી થવા પામી છે. સમયાંતરે આ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી અતિશય દુર્ગંધ પ્રસરતાં આસપાસના નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. આ અંગે સ્થાનિકો દ્વારા રજુઆત કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા હજી સુધી મગનું નામ મરી પાડવામાં આવ્યું નથી.

વહેલી તકે સમસ્યાનું સમાધાન કરાશેઃ હેમાલી બોઘાવાલા

મેયર હેમાલી બોઘાવાલા આજે સવારે રાંદેરમાં આવેલા કવિ કલાપી ગાર્ડનની મુલાકાતે પહોંચ્યા હતા. જયાં સ્થાનિક કોર્પોરેટરો અને રાંદેર ઝોનના અધિકારીઓની હાજરીમાં તેઓએ ગાર્ડનમાં બનાવવામાં આવેલું તળાવ પાણીના અભાવે અસહ્ય ગંદકી અને મચ્છરોના ઉત્પત્તિનું કેન્દ્ર બનવા પામ્યું છે. આ સ્થિતિમાં મેયર દ્વારા આ સમસ્યાના વહેલી તકે સમાધાન અંગે તંત્રના અધિકારીઓને ટકોર કરવામાં આવી હતી.
——

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *