કોર્પોરેશનના વાહનોને ઇંધણ પૂરું પાડવા સુરત પાલિકા દરેક ઝોનમાં પેટ્રોલ પંપ ઉભા કરશે
ઉદ્યોગોને (Industries) પાણી વેચીને આવક ઊભી કરનાર મનપા(SMC) આગામી દિવસોમાં શહેરમાં ખાનગી પેટ્રોલ(Petrol) પંપોની જેમ વાહનોમાં ઇંધણની સુવિધા પણ પૂરી પાડે તેવી શક્યતા છે. આવકના નવા સ્ત્રોત ઊભા કરવાની કવાયદના ભાગરૂપે સ્થાયી સમિતિ દ્વારા આગામી વર્ષોમાં દરેક ઝોનમાં પીપીપી મોડેલથી એક-એક પેટ્રોલપંપ સ્થાપવાની વિચારણા હાથ ધરી છે. મનપાની માલિકીના પ્લોટ પર પેટ્રોલપંપ માટેની જરૂરી મંજૂરી મેળવ્યા બાદ પેટ્રોલપંપનું સંચાલન પીપીપી ધોરણે ખાનગી એજન્સીને ટેન્ડર પ્રક્રિયા હાથ ધરીને આપવામાં આવશે.
મનપાના વિવિધ ઝોનના વાહનોને આ પેટ્રોલપંપો પરથી જરૂરી ઇંધણ નજીકના સ્થળે ઉપલબ્ધ થવાથી સમય અને મેનપાવરની બચત થશે. સાથે જ પીપીપી ધોરણે પેટ્રોલપંપનું સંચાલન સોંપવામાં આવનાર હોવાથી રોયલ્ટી પેટે આવક પણ ઊભી થશે. પ્રાયોગિક ધોરણે કોઇ એક ઝોનમાં આ પ્રકારે પીપીપી ધોરણે પેટ્રોલપંપ શરુ કર્યા બાદ તબક્કાવાર દરેક ઝોનમાં એક-એક પેટ્રોલપંપ શરૂ કરવાની વિચારણા છે.
હાલ મનપાના વાહન-મશીનરી માટે પેટ્રોલ-ડિઝલ ભરાવવા સારુ એકમાત્ર ઉમરવાડા વર્કશોપ ખાતે પેટ્રોલપંપ ઉપલબ્ધ છે. વિવિધ ઝોનની વાહન-મશીનરીમાં ઇંધણ પૂરાવવા માટે છેક ઉમરવાડા સુધી લંબાવવું પડતું હોવાથી સમય અને માનવ કલાકોનો ખુબ વ્યય થાય છે. અને આગામી માર્ચ 2025માં પેટ્રોલપંપના લાયસન્સની મુદ્દ પણ પૂર્ણ થાય છે.
જેથી મનપા દ્વારા દરેક ઝોનને સમય અને માનવશ્રમમાં બચત થઇ રહે તે હેતુથી ઉમરવાડા ખાતે આવેલા પેટ્રોલપમ્પ લાયસન્સની મુદ્દર પૂર્ણ થયાથી બંધ કરીને કતારગામ ગોટાલાવાડી તથા ઉધના ખરવરનગર વર્કશોપ ખાતે બે નવા પેટ્રોલ પમ્પ શરૂ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.