Surat: આ રહી ભાજપના સંભવિત ઉમેદવારોના નામની યાદી
ગુજરત વિધાનસભા ચૂંટણી ને પગલે આપ અને કોંગ્રેસ દ્વારા ચૂંટણી માટે ઉમેદવારોના નામની જાહેરાત થઈ રહી છે, પરંતુ ભાજપે હજી સુધી મગનું મરી કરી રહ્યુ નથી. જો કે આખરે ભાજપ પોતાના ઉમેદવારોની જાહેરાત જલ્દી જ કરવા જઈ રહ્યું છે. પરંતુ તે પહેલાં સોશિયલ મીડિયામાં સુરતના સંભવિત ઉમેદવારોની યાદી ફરતી થઈ ગઈ છે.ઓલપાડ અને કામરેજ સહિત સુરતની ૧૨ બેઠકો પૈકી ૨૫ ટકા એટલે કે ચારેક બેઠકો પર સીટિંગ ધારાસભ્યોની બાદબાકી સંભવ લાગી રહી છે.
સોશિયલ મીડિયા મા જાહેર થયેલ ભાજપના ઉમેદવારોની યાદી પ્રમાણે લીંબાયત અને મજૂરા ધારાસભ્યો સંગીતા પાટીલ અને હર્ષ સંઘવીની ટિકિટ ફાઈનલ લાગી રહી છે. તે જ રીતે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ ગ્રુપના ગણાતા અને ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ, કરંજના ધારાસભ્ય પ્રવીણ ઘોઘારી પર પાર્ટી ફરી વિશ્વાસ મૂકશે તે નિશ્ચિત લાગી રહ્યું છે.કમારેજના વિવાદાસ્પદ ધારાસભ્ય વી.ડી ઝાલાવડિયાની હકાલપટ્ટી નિશ્ચિત છે. પરંતુ તેમના સ્થાને પૂર્વ ધારાસભ્ય પ્રફુલ પાનસેરિયાને ટિકિટ ફાળવવામાં આવે એવી શક્યતા નહીંવત છે. આ બે મહારથીઓની લડાઈમાં ત્રીજો મૂરતિયો મેદાન મારી જાય તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.
કામરેજમાંથી જનક બગદાણા,તો પૂર્ણેશ મોદીના સ્થાને સુરત પશ્ચિમમાંથી મેયર હેમાલી બોધવાલાને ટિકિટ મળવાની સંભાવના છે.વરાછા અને ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્યો કુમા૨ કાનાણી અને ઝંખના પટેલ- બન્ને પ્રદેશ પ્રમુખ પાટીલની ગુડ બુકમાં સ્થાન ધરાવતા નથી. બન્નેને પડતા મૂકાવાની શક્યતા વચ્ચે ચૌરાસીમાંથી ઝંખના પટેલના સ્થાને જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપ દેસાઈને ટિકિટ આપી એવું લાગી રહ્યું છે.જો કે ભાજપ ના છૂટકે પણ આ બન્ને ઉમેદવારો પર ફરી દાવ લગાવવો પડે તેવી સંભાવના છે.
પૂર્વ કલેક્ટર અને પ્રદેશ સંગઠનમાં હોદ્દો ધરાવતા મહેન્દ્ર પટેલ ઉધના બેઠક પરથી ભાજપના ઉમેદવાર બને તેવી શકયતા વધુ છે. મહેન્દ્ર પટેલ છેલ્લા એક-બે દિવસથી ઉધના વિધાનસભા વિસ્તારમાં સક્રિય પણ થઈ ચૂક્યા છે. કતારગામ બેઠક પર મંત્રી-ધારાસભ્ય વિનુ મોરડિયાની ફરી ટિકિટ માટેની પ્રબળ દાવેદારી વચ્ચે પૂર્વ મેયર જગદીશ પટેલ તથા શહેર ભાજપના મહામંત્રી કાળુ ભીમનાથ મોટો અવરોધ ઊભો કરી રહ્યા છે. એક જૂથ તરફથી જગદીશ પટેલને સુરત ઉત્તર બેઠક માટે તક આપવાની ભલામણ કરવામાં આવી રહી છે.