સુરત ડાયમંડ બુર્સ બનશે વિશ્વનું સૌથી મોટું કોર્પોરેટ હબ : મુખ્યમંત્રી
સુરતના ખજોદમાં સાકાર થયેલા રાજ્યના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ‘સુરત ડાયમંડ બુર્સ‘ની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ સુરત ડ્રીમ સિટી પ્રોજેક્ટની પ્રગતિની વિગતો મેળવવા અહીં બુર્સા કોર કમિટીના સભ્યો, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને સુડાના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘સુરત ડાયમંડ બુર્સ’ને લગતું પ્રેઝન્ટેશન પણ જોયું હતું.
બેઠક દરમિયાન મુખ્યમંત્રી પટેલે જણાવ્યું હતું કે સુરતનું ડાયમંડ બુર્સ વિશ્વનું સૌથી મોટું કોર્પોરેટ ઓફિસ હબ બનશે. અહીં વિદેશના હીરાના વેપારીઓને નવું વર્લ્ડ ક્લાસ બિઝનેસ હબ મળશે. તેનાથી રાજ્ય અને દેશના અર્થતંત્રને સીધો ફાયદો થશે અને હજારો લોકોને રોજગારીની તકો પણ મળશે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્ય સરકારે હંમેશા ઉદ્યોગોને પ્રોત્સાહન આપીને ઉદ્યોગલક્ષી અભિગમ સાથે હકારાત્મક અભિગમ અપનાવ્યો છે. ડાયમંડ બુર્સના નિર્માણ બાદ સુરતમાં મોટા પાયે હીરાની ખરીદી અને વેચાણ થશે. વિદેશમાં હીરાના વેપારમાં સુરતનું નામ પરાકાષ્ઠાએ પહોંચ્યું છે તેમ જણાવી સુરતના ડાયમંડ બુર્સને પ્રગતિના શિખરો પર લઈ જવાની શુભેચ્છા પાઠવી હતી અને આ માટે રાજ્ય સરકાર હંમેશા મદદ કરશે તેવી ખાતરી આપી હતી.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટર આયુષ ઓક, મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર શાલિની અગ્રવાલ, પોલીસ કમિશનર અજય તોમર અને સુરત ડાયમંડ બુર્સના મથુરભાઈ સવાણી, સવજીભાઈ ધોળકિયા, દિનેશભાઈ નાવડિયા, બુર્સ કમિટીના સભ્યો હાજર રહ્યા હતા.