વરાછામાં બે બાળકો સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય : આરોપી વિરૂદ્ધ માત્ર અટકાયતી પગલાં ભરવામાં આવ્યા
શહેરના વરાછા (Varachha) વિસ્તારમાં બે માસુમ બાળકો સાથે કથિત સૃષ્ટિ વિરૂદ્ધના કૃત્યની ઘટનાને પગલે સમગ્ર શહેરમાં ભારે હોબાળો મચી જવા પામ્યો છે. બંને માસુમ બાળકો વિરૂદ્ધ સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું હોવાના આક્ષેપો વચ્ચે પોલીસ દ્વારા આરોપી વિરૂદ્ધ માત્ર અટકાયતી પગલાં ભરવામાં આવ્યા હોવાને કારણે પણ આસપાસના વિસ્તારના નાગરિકોમાં પણ આક્રોશ ફાટી નીકળ્યો છે. જો કે, ભોગ બનનાર બંને બાળકોને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હોવાનો ઘટસ્ફોટ થતાં હવે પોલીસ દ્વારા કુલડીમાં ગોળ ભાંગવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
વરાછામાં ખારવા ચાલમાં બે માસુમ બાળકો સાથે કથિત સૃષ્ટિ વિરૂદ્ધના કૃત્ય કરવામાં આવ્યું હોવાની ઘટનાને પગલે ઘેરા પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે. શનિવારે પડોશમાં જ રહેતા યુવક દ્વારા આ બંને યુવકો સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો હતો. પરિવારજનોએ જણાવ્યું હતું કે, તેમના બાળકો ઘર પાસે રમી રહ્યા હતા ત્યારે જ પડોશમાં રહેતા એક યુવકે લાલચ આપીને બાળકો સાથે જઘન્ય કૃત્ય આચર્યું હતું. માસુમ બાળકો સાથે કરવામાં આવેલ પિશાચી કૃત્યને કારણે ઘરે પહોંચ્યા બાદ બાળકોએ સમગ્ર હકીકત વર્ણવતાં પરિવારજનોના માથે આભ તુટી પડ્યું હતું.
પરિવારજનો દ્વારા તાત્કાલિક બાળકોને સ્મીમેર હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં બંને બાળકોનો ઉપચાર પણ કરવામાં આવ્યો હતો. શનિવારે નોંધાયેલી આ ઘટનામાં વરાછા પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી પર શંકાના વાદળો ઘેરાયા છે. વરાછા પોલીસ દ્વારા આ સમગ્ર પ્રકરણ પર પડદો પાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાની ચર્ચાનો દૌર શરૂ થતાં ભારે ચકચાર મચી જવા પામી છે.
બીજી તરફ પોલીસ દ્વારા હાલમાં આ સમગ્ર ઘટના અંગે કુલડીમાં ગોળ ભાંગવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે, બંને બાળકો સાથે માત્ર મજાકમાં કપડાં કાઢવામાં આવ્યા હતા. જે અંગેની જાણ થતાં જ પડોશમાં રહેતા યુવક વિરૂદ્ધ અટકાયતી પગલાં ભરવામાં આવ્યા હતા. જો કે, ઘટનાના ત્રણ દિવસ બાદ હવે સમગ્ર વિસ્તારમાં બંને બાળકો વિરૂદ્ધ કરવામાં આવેલ જઘન્ય કૃત્યની ચર્ચા ઉઠવા પામી છે. પોલીસ દ્વારા આ સમગ્ર પ્રકરણમાં અદ્રશ્ય દબાણને વશ થઈને ફરિયાદ દાખલ કરવાને બદલે માત્ર અરજીના આધારે બાળકો સાથે જઘન્ય કૃત્ય કરનાર નરાધમ વિરૂદ્ધ માત્ર અટકાયતી પગલાં ભરીને કાર્યવાહી કર્યાનો સંતોષ માન્યો છે.
પરિવારજનો દ્વારા ફરિયાદ આપવાનો ઈન્કારઃ પોલીસની સ્પષ્ટતા
બંને બાળકો વિરૂદ્ધ સૃષ્ટ વિરૂદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું હોવાના આક્ષેપો વચ્ચે પોલીસની કાર્યવાહી પર માછલાં ધોવાઈ રહ્યા છે. માસુમ બાળકો સાથે જઘન્ય કૃત્ય કરનાર નરાધમની ધરપકડ કરીને પોક્સો હેઠળ ફરિયાદ દાખલ કરવાને બદલે પોલીસે અટકાયતી પગલાં ભરીને સંતોષ માન્યો હતો. જો કે, હવે આ સમગ્ર પ્રકરણમાં પોલીસ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે, ભોગ બનનાર બાળકોના પરિવારજનો દ્વારા માત્ર અરજી આપવામાં આવી હતી અને પોલીસ ફરિયાદ કરવાનો ઈન્કાર કરવામાં આવ્યો છે.
ભોગ બનનાર એક બાળક અનાથ, નાની સાથે રહે છે
વરાછામાં ખારવા ચાલમાં રહેતા માસુમ બાળકો સાથે આચરવામાં આવેલ હેવાનિયતનો ઘટસ્ફોટ થતાં પોલીસ હવે આ પ્રકરણમાં મગનું નામ મરી પાડવા તૈયાર નથી. બીજી તરફ જાણવા મળતી માહિતી અનુસાર ભોગ બનનાર બે પૈકી એક બાળકના માતા – પિતાનું મોત નિપજ્તાં તે હાલમાં પોતાની નાની સાથે રહે છે. આમ, અનાથ બાળક વિરૂદ્ધ આ પ્રકારના કૃત્ય છતાં પોલીસ દ્વારા આરોપી વિરૂદ્ધ સખ્ત કાર્યવાહીને બદલે માત્ર શારીરિક છેડછાડ કરવામાં આવી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
ગુડ ટચ બેડ ટચના અભિયાન વચ્ચેની વાસ્તવિકતા
સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમર દ્વારા શહેરના ભુલકાઓ વિરૂદ્ધ યૌન હિંસાની ઘટનાઓ પર અંકુશ મેળવવા માટે હરસંભવ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હાલમાં જ સુરત પોલીસ દ્વારા અલગ – અલગ વિસ્તારોમાં એનજીઓના સહયોગથી ગુડ ટચ અને બેડ ટચ અંગે બાળકોમાં જાગૃત્તતા પ્રસરે તે માટે અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું હતું અને શાળામાં શરૂ કરવામાં આવેલા આ કાર્યક્રમ દરમિયાન બાળકોને આ પ્રકારની ઘટનાઓમાં તાત્કાલિક પોલીસ અને પરિવારજનોને જાણ કરવા માટે પણ જણાવવામાં આવ્યું હતું. જો કે, વરાછાની ઘટનામાં પોલીસ દ્વારા પીડિત બાળકોના પરિવારજનો દ્વારા ફરિયાદી દાખલ કરવાનો ઈન્કાર કરવામાં આવી રહ્યો હોવાનું જણાવીને અદબ… પલાઠી અને મોં પર આંગળી મુકી દેવામાં આવી હોય તેમ જણાઈ રહ્યું છે.