સુરત કોર્પોરેશને ઇલેક્ટ્રિક બસો દોડાવીને અત્યારસુધી કરી 16.45 લાખ લીટર ડીઝલની બચત
ડિસેમ્બર-2023ના અંત સુધી શહેરના(Surat) માર્ગો પર 600 ઇલેક્ટ્રીક બસો માસ ટ્રાન્સપોર્ટેશનમાં દોડતી કરવાનું મનપાનું આયોજન છે. હાલ 177 ઇલેક્ટ્રીક બસો કાર્યરત છે. આ ઇલેક્ટ્રીક બસોને કારણે ડિસેમ્બર 2022 સુધી 16.45 લાખ લીટર ડિઝલની બચત થઈ છે. જ્યારે 44.1 લાખ કિલોગ્રામ કાર્બનડાયોક્સાઇડનું ઉત્સર્જન ઓછું થયું હોવાનું દાવો મનપા તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે. પર્યાવરણની જાળવણી તથા પ્રદુષણની માત્રા ઘટાડવાના હેતુથી મનપા દ્વારા તબક્કાવાર તમામ માસ ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્રે વપરાતી બસોને ઇલેક્ટ્રીક બસમાં તબદીલ કરવાનું આયોજન કરાયું છે.
મનપા દ્વારા થઈ રહેલ આયોજન મુજબ આગામી એક વર્ષમાં વધુ 300 ઇલેક્ટ્રીક બસો કાર્યરત થઈ શકે છે. જ્યારે ડિસેમ્બર 2023 સુધી 600 ઇલેક્ટ્રીક બસો શહેરના માર્ગો પર દોડતી કરવાની યોજના મનપા દ્વારા હાથ ધરવામાં આવી છે. પ્રદૂષણ મુક્ત સુરતના ધ્યેય સાથે દૈનિક 31,500 લીટર ડીઝલની ખપત માસ ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્રે બસોમાં ઓછી થઈ શકે છે. કારણ કે 600 ઇલેક્ટ્રીક બસો શહેરના માર્ગો પર દોડતી થશે. એટલું જ નહીં ઇલેક્ટ્રીક બસોને કારણે ડેઇલી 76 હજાર કિલોગ્રામ કાર્બનડાયોક્સાઇડની ઉત્સર્જન ઓછું થશે.
વાતાવરણમાંથી આટલા પ્રમાણમાં કાર્બનડાયોક્સાઇડ ઓછું કરવા અંદાજે 12થી 18 વર્ષના 2360 જેટલા ઘટાદાર વૃક્ષોની શહેરમાં જરૂર પડી શકે. એટલું જ નહીં કાર્બનડાયોક્સાઇડનું ઉત્સર્જન ઓછું થતાં મનપાને ભવિષ્યમાં વધુ કાર્બન ક્રેડીટનો લાભ પણ મળી રહેશે. 2025 સુધીમાં મનપા દ્વારા તમામ બીઆરટીએસ તથા સીટી બસોના રૂટો પર સંપૂર્ણ ઇલેક્ટ્રીક બસો દોડતી કરવાનું મનપાનું આયોજન છે. હાલ ઉપયોગમાં લેવાતી બસોના ટેન્ડરની સમય મર્યાદા જેમ જેમ પૂર્ણ થતી જાય તેમ તેમ આ બસોના બદલામાં મનપા દ્વારા ઇલેક્ટ્રીક બસો શરૂ કરવામાં આવી રહી છે.