Surat : કોર્પોરેશન દ્વારા ગેરકાયદેસર તબેલાઓ દૂર કરવાની કામગીરી પર આજે બ્રેક, ડભોલી ખાતે સતત ત્રીજા દિવસે માલધારી સમાજના ધરણા યથાવત્
અન્ય વિવિધ માંગણીઓ સાથે આંદોલન પર ઉતરેલા માલધારી સમાજના ધરણા પ્રદર્શન સ્થળે આજે માલધારી સમાજના ગુરૂ ગાદી એવા વડવાળા મંદિરના મહંત કનિરામ બાપુ પણ પહોંચ્યા હતા.
સુરત મહાનગર પાલિકા દ્વારા હાઈકોર્ટના સખ્ત વલણ બાદ શહેરના વિવિધ વિસ્તારોમાંથી ગેરકાયદેસર તબેલાઓ દુર કરવાના અભિયાનને હાલના તબક્કે માલધારી સમાજના આંદોલનનું ગ્રહણ લાગ્યું છે. છેલ્લા ચાર દિવસથી માલધારી સમાજ દ્વારા ડભોલી ખાતે ધરણા – પ્રદર્શન વચ્ચે આજે શહેરના રાંદેર સહિતના વિસ્તારોમાં આવેલા ગેરકાયદેસર તબેલાઓ હટાવવાની કામગીરી પર બ્રેક મારવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ ડભોલી ખાતે આજે માલધારી સમાજના સંતો – મહંતોની હાજરી વચ્ચે મોટી સંખ્યામાં ઉમટેલા સમાજના નાગરિકોએ વિવિધ માંગણીઓ સાથે માલધારી સમાજને થઈ રહેલા અન્યાય સામે અંત સુધી લડી લેવાના એંધાણ વ્યક્ત કર્યા હતા.
શહેરના કતારગામ અને રાંદેર ઝોનમાં અલગ – અલગ વિસ્તારોમાં સરકારી જમીનો પર તાણી દેવામાં આવેલા ગેરકાયદેસર તબેલાઓ દુર કરવાની કામગીરી દરમ્યાન માલધારી સમાજ દ્વારા ધરણા – પ્રદર્શનનું શસ્ત્ર ઉગામાવામાં આવ્યું છે. છેલ્લા ચાર દિવસથી ડભોલી ખાતે ધરણા – પ્રદર્શન કરી રહેલા માલધારી સમાજ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે, મનપા દ્વારા ગેરકાયદેસર તબેલાઓના નામે કાયદેસર તબેલાઓને પણ નેસ્તનાબૂદ કરવામાં આવી રહ્યા છે.
જેના કારણે પશુપાલકોને લાખ્ખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આ સિવાય અન્ય વિવિધ માંગણીઓ સાથે આંદોલન પર ઉતરેલા માલધારી સમાજના ધરણા પ્રદર્શન સ્થળે આજે માલધારી સમાજના ગુરૂ ગાદી એવા વડવાળા મંદિરના મહંત કનિરામ બાપુ પણ પહોંચ્યા હતા. જેઓએ માલધારી સમાજના આંદોલનને સમર્થન આપવાની સાથે સાથે સરકાર દ્વારા માલધારી સમાજ સાથે થઈ રહેલા અન્યાયને પણ સખ્ત શબ્દોમાં વખોડી કાઢ્યો હતો.