ઉકાઈ ડેમઃ માત્ર ઓગસ્ટ મહિનામાં જ 78 કરોડ રૂપિયાનું વીજ ઉત્પાદન
ઉકાઈ ડેમમાં સંગ્રહ કરવામાં આવેલા પાણી હાઈડ્રો પાવર ઉત્પાદન માટે વાપરવામાં આવ્યું છે.

ઓગસ્ટ મહિનાના પ્રારંભ સાથે ઉકાઈ ડેમના ઉપરવાસમાં સતત વરસાદને પગલે સપાટીમાં ઉત્તરોત્તર વધારો જોવા મળ્યો હતો. આ સ્થિતિ વચ્ચે ઉકાઈ ડેમમાં સ્થાપિત કરવામાં આવેલા હાઈડ્રો પાવર યુનિટ થકી માત્ર એક મહિનામાં જ રેકોર્ડબ્રેક 224 મિલિયન યુનિટ વીજ ઉત્પાદનનો રેકોર્ડ સ્થાપિત કરવામાં સફળતા સાંપડી છે. વીજ વિભાગ અને સિંચાઈ વિભાગ દ્વારા સંકલન સાધીને આ સિદ્ધિ પ્રાપ્ત કરવામાં આવી છે. અગાઉ 2013માં ઓગસ્ટ મહિનામાં 221 મિલિયન યુનિટ હાઈડ્રો પાવર ઉત્પાદન કરવામાં આવ્યું હતું.
સુરત શહેર – જિલ્લા માટે જીવાદોરી સમાન તાપી નદી પર આવેલ ઉકાઈ ડેમમાં ચાલુ વર્ષે ચોમાસામાં સિંચાઈ અને વીજ વિભાગ દ્વારા મહત્તમ હાઈડ્રો પાવર ઉત્પાદન માટે આગોતરૂ આયોજન કરવામાં આવ્યું હતું. વીજ વિભાગ દ્વારા પણ તમામ ચારેય યુનિટની મરામતની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી હતી.આ વર્ષના ચોમાસામાં ઉપરવાસમાં વરસાદ થવાની સાથે જ હાઈડ્રો પાવર યુનિટો ચાલુ કરી વીજ ઉત્પાદન ચાલુ કરી દેવામાં આવ્યું. સિંચાઈ વિભાગ દ્વારા ડેમમાં પાણીની આવક સાથે જ વધુમાં વધુ હાઈડ્રો પાવર વીજઉત્પાદનની કવાયત હાથ ધરવામાં આવી હતી. જો કે, આ દરમ્યાન સુરત શહેરમાં સંભવિત પુરની સ્થિતિને ટાળવા માટે બે લાખ ક્યુસેક કરતાં વધુ પાણી ન છોડવા સાથે રૂલ લેવલ જાળવવાની મથામણ કરવામાં આવી હતી. અલબત્ત, ચાલુ વર્ષે ચોમાસાના પ્રારંભ સાથે જ ઉકાઈ બંધના ઉપરવાસમાં નોંધપાત્ર પ્રમાણમાં વરસાદ પડ્યો હતો. એક તબક્કે ઉકાઈ બંધમાં ઈન્ફ્લો ૩.૬૦ લાખ ક્યુસેક કરતાં વધુ હોવા છતાં ઉકાઈ બંધની હેઠવાસમાં આઉટ ફ્લો ૧.૮૫ લાખ ક્યુસેક્સ સુધી મર્યાદિત રાખવામાં આવ્યો હતો.
ઉકાઈ ડેમમાં સંગ્રહ કરવામાં આવેલા પાણી હાઈડ્રો પાવર ઉત્પાદન માટે વાપરવામાં આવ્યું છે. જેથી ઉકાઈ બંધ પરના હાઈડ્રો પાવર યુનિટો દ્વારા ઓગસ્ટ-૨૦૨૨ માં અંદાજે 78 કરોડ રૂપિયાની કિંમતના ૨૨૪ મિલિયન યુનિટ હાયડ્રો પાવરનું મહત્તમ ઉત્પાદન કરેલ છે, જે ઉકાઈ બંધના બાંધકામ બાદ એટલે કે છેલ્લા પચાસ વરસમાં આ એક રેકોર્ડ છે.