Surat: મનપાની સિટી બસમાં ડિજિટલ ટિકિટ બુકીંગ કરનારને ૩૦ દિવસ મફત મુસાફરી
સુરત મનપા સંચાલિત સીટી બસ અને બીઆરટીએસ સેવા માટે ડિજિટલ કેસલેસ વ્યવહારને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે મનપાએ અનોખો પ્રયાસ કર્યો છે. આજથી તા. ૧ સપ્ટેમ્બર થી તા. ૩૦ સપ્ટેમ્બર સુધી બસ મુસાફરી માટે જો મની કાર્ડ કે મનપાની સીટીલીંક મોબાઈલ એપનો ઉપયોગ કરીને બસ ટીકીટ બુક કરાશે તો લોકોને ટીકીટ ફ્રી મળશે. મતલબ કે ટીકીટ માટે કોઈ ભાડું મની કાર્ડમાંથી કપાશે નહિ, કે મોબાઈલ એપમાં પણ ડીજીટલ વ્યવહાર દ્વારા તમારા કાર્ડ કે ખાતામાંથી કોઈ ચાર્જ કપાશે નહિ.
• ૨૫ રૂપિયામાં અનલિમિટડ મુસાફરીની સ્કીમ સફળ રહેતા મનપાનો વધુ એક પ્રયોગ
તહેવારોના સમયમાં અને અન્ય રીતે મનપા દ્વારા મહિલાઓ, દીવ્યાંગો સહીત વિવિધ કેટેગરીમાં મનપા દ્વારા રાહતો અપાતી રહે છે. હાલ આખા શહેરમાં અલગ અલગ રૂટ પર મનપાની જે સીટી બસ, બીઆરટીએસ બસ કે ઇ-બસો ચાલે છે એમાં રોજ ૨.૩૦ લાખ લોકો મુસાફરી કરે છે. જેને પગલે લોકો પાસેથી ભાડા કરતા અડધા પૈસા લઈને ટીકીટ ન આપીને મુસાફરી કરવા દેતા કંડકટરો ઉપર પણ આ મની કાર્ડ કે મોબાઈલ એપના વપરાશથી લગામ આવશે. હાલ શહેરમાં માત્ર ૧૨ હજાર જેટલા જ મની કાર્ડ ઉપયોગમાં છે. આ ઉપયોગ વધારવા માટે સુરત મનપા દ્વારા આવતીકાલ ૧લી સપ્ટેમ્બરથી એક મહિના માટે ડીજીટલ ટીકીટ બુકિંગ પર મફત ટીકીટની સ્કીમ મુકવામાં આવી છે.