Surat: ખજોદમા બે વર્ષની બાળકીનું શ્વાન કરડયા બાદ સારવાર દરમ્યાન મોત
સુરતના ખજોદમાં શ્વાનોએ બે વર્ષીય બાળકીને 30 થી 40 બચકા ભરતાં ચાર દિવસની સારવાર બાદ બાળકીનું મોત
સુરતમાં ખજોદ વિસ્તારમાં ચાર દિવસ અગાઉ ત્રણ જેટલા શ્વાનોએ બે વર્ષીય બાળકીને 30થી 40 બચકાં ભર્યાં હતા. જેથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાળકીને સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જ્યા બાળકીની સારવાર ચાલી રહી હતી જો કે ગત રાત્રે આ બાળકીનું મોત નિપજ્યું છે.
સુરતના ખજોદ વિસ્તારમાં ડાયમંડ બુર્સ નજીક રહેતા અને મજૂરીકામ કરતા રવીભાઈ કહાર પોતાની પત્ની અને બે બાળકો સાથે રહી પરિવારનું ગુજરાન ચલાવે છે.દરમ્યાન ગત ૧૯ ફેબ્રુઆરીના રોજ તેઓની બે વર્ષની બાળકી રમી રહી હતી તે વેળાએ ત્રણ જેટલા શ્વાનો આ બાળકીને કરડ્યા હતા અને શરીરના અલગ અલગ અંગો પર બચકા ભર્યાં હતા.શ્વાનોના આ હુમલામાં બાળકી ગંભીર રીતે ઘાયલ થઈ હતી.જેથી પરિવાર બાળકીને લઈ સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો.તબીબો દ્વારા બાળકીની તપાસ બાદ જાણવા મળ્યું કે બાળકીના માથા અને શરીરના અન્ય ભાગો પર 30થી 40જેટલા બચકા ભર્યા હતા. અને શ્વાનોના કરડવાથી બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતો.જેથી બાળકીને સર્જરી વિભાગમાં દાખલ કરી તેનું ઓપરેશન કરવામાં આવ્યું હતું.અને તે તબીબી દેખરેખ હેઠળ હતી જ્યા ગતરાત્રે આ બાળકીનું સારવાર બાદ મોત નિપજ્યું હતું.
આ અંગે સિવિલ ના અર એમ ઓ ડો. કેતન નાયકે જણાવ્યું હતું કે હોસ્પિટલમાં બાળકીને ગાઈડ લાઈન મુજબ અધ્યતન સારવાર આપવામાં આવી હતી.અને તેનું ઓપરેશન કરી સારવાર અપાઈ રહી હતી અને તેને બચાવવાના ત્મામ ઉપાય કરાઈ રહ્યા હતા. પરંતુ કમનસીબે બાળકીનું નિધન થયું છે.
ઉલ્લેખનીય છે કે સુરત શહેરમાં છેલ્લા કેટલાક મહિનાઓથી રખડતા શ્વાનોનો આતંક અતિશય વધી રહ્યો છે.ફેબ્રુઆરી મહિનાની જો વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં 477 જેટલા કેસ નોંધાયા છે.ત્યારે બીજી તરફ અવાર નવાર બનતી આ ઘટનાઓ બાદ ઓન મનપા તંત્ર સબ સલામતીની ગુલબાંગો પુકારી રહ્યું છે.કૂતરાના રસીકરણ અને ખસીકરણની વાતો પાછળ લાખો રૂપિયા ખર્ચ તો કરાઈ રહ્યા છે પણ તે તમામ ખર્ચ એળે જઈ રહ્યો છે . ત્યારે હવે આ સુરત મનપા તંત્ર આ ઘટના બાદ બોધપાઠ લઈ યોગ્ય કામગીરી કરે તે જરૂરી બન્યું છે.