કતારગામમાં સાત વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી હત્યા કરવાના ચકચારીત કેસમાં આરોપી દોષિત જાહેર,આજે થઈ શકે છે સજા

કતારગામ તિરૂપતિ સોસાયટીમાં અઢી માસ પહેલા ઓરિસ્સાવાસી પરિવારની સાત વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ આચરી હત્યા કરવાના ચકચારીત કેસમાં ગઇકાલે મોડી સાંજે એડીશ્નલ એન્ડ સેશન્સ જજ ન્યાયાધીશ યુ.એમ. ભટ્ટે નરાધમ મુકેશ પંચાલને તમામ ગુનામાં દોષીત ઠેરવ્યો હતો. આ કેસમાં આજે એટલે કે શુક્રવારે સજાનો હુકમ મુલત્વી રાખ્યો હોવાનું પણ જાણવા મળ્યું હતું.
આ કેસમાં આજરોજ સરકાર પક્ષ તરફે એપીપી નયન સુખડવાલા આરોપીને મહત્તમ સજાની દલીલો કરશે તેવી સંભાવના છે. સરકારી વકીલ નયન સુખડવાલા દ્વારા કેસની ટ્રાયલ પૂર્ણ કરવામાં આવી હતી. આ કેસમાં ૭૭ પૈકી કુલ ૪૬ સાક્ષીઓને તપાસવામાં આવ્યા હતા.અને 86 જેટલા દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરાયા હતા.
આ કેસની વિગત એવી છે કે, કતારગામ રોડ પર આવેલા વાળીનાથ ચોક નજીક આવેલી તિરુપતિ પહેલા માળે એક સોસાયટીના ઓરિસ્સાવાસી પરિવાર રહેતો હતો. આ પરિવારની ૭ વર્ષીય બાળકી ગત ૭ ડિસેમ્બરે સવારે કુતરાને બિસ્કીટ ખવડાવવા માટે નીચે ઉતરી હતી ત્યારે તેમના ઘરના ભોંયતળીયે રહેતા મુકેશ ચીમનલાલ પંચાલએ બાળકીને ઘરમાં ખેંચી લીધી હતી અને તેની સાથે દુષ્કર્મ આચરી તેની હત્યા કરી દીધી હતી. પીએમ રિપોર્ટમાં અત્યંત ક્રુરતાપૂર્વક મોઢુ અને ગળુ દબાવીને બાળકીની હત્યા કરી હોવાનું તબીબોએ તારણ આપ્યું હતું. નરાધમ પંચાલે બાળકીની લાશને પ્લાસ્ટીકના મેણીયામાં મુકી તેના ઘરના બેડરૂમના પેટી પલંગમા સંતાડી ભાગી છૂટ્યો હતો. સુરત ક્રાઈમ બ્રાંચે ગણતરીના ક્લાકોમાં નરાધમ મુકેશ પંચાલને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી સામે ૧૦ દિવસની અંદર ચાર્જશીટ બનાવી સેશન્સ કોર્ટમાં ફાઈલ કરી હતી. સરકારી વકીલ નયન સુખડવાલાએ નરાધમ મુકેશ પંચાલ સામે એક માસમાં ઝડપી કેસ ચલાવી ટ્રાયલ પૂર્ણ કરી દીધી હતી.ગઈકાલે આ કેસનો ચુકાદો મોડી સાંજે આવ્યો હતો. એડીશ્નલ સેશન્સ જજ યુ.એમ.ભટ્ટે આરોપી મુકેશ પંચાલને તમામ ગુનામાં દોષી ઠેરવ્યો હતો. ફરિયાદ પક્ષ તરફે પોતાનો કેસ સાબિત કરવા માટે કુલ ૪૬ જેટલા સાહેદોને તપાસ્યા હતા, તેમજ કુલ૮૬ જેટલા દસ્તાવેજી પુરાવાઓને આધારે પોતાનો કેસ શંકા રહીત પુરવાર કર્યો હતો.
નરાધમ મુકેશ પંચાલ પહેલાથી જ વિકૃત માનસિકતા ધરાવતો હોવાનું સામે પર આવ્યું હતું.
નરાધમ મુકેશ પંચાલની પોલીસે અટક કરી હતી. ત્યારે પોલીસે અંગઝડતીમાં મોબાઈલ ક્બજે કર્યો હતો. આરોપીનો ક્બજે કરેલો મોબાઈલ પોલીસ દ્વારા એફ.એસ.એલ.માં મોકલતા પૃથ્થકરણ દરમિયાન આરોપી મુકેશના મોબાઈલ ફોનમાં ૨૪ જેટલા પોર્ન વીડિયો મળી આવ્યા હતા. .