સુરતમાં વૃક્ષો પર લટકતા પતંગના દોરાઓ દૂર કરવાની કાર્યવાહી માટે રજુઆત
સુરતીલાલાઓએ (Surties) ઉતરાયણની દિવસભરની મજા માણી જેની સજા હવે પક્ષીઓ (Birds) ભોગવી રહ્યા છે. શહેરભરમાં પતંગના (Kites) દોરા વૃક્ષો પર લટકી રહ્યા છે. જેમાં પક્ષીઓ ભેરવાઈ જતા મરણ પામી રહ્યા છે. જાગૃત સમાજસેવક ધર્મેશભાઈ ગામી દ્વારા આવા લટકી રહેલા દોરાઓ દૂર કરવા મનપા કમિશનરને વિનંતી કરી છે.
સુરત શહેરના સુરતીઓ તમામ તહેવારો હર્ષોલ્લાસ સાથે ઉજવતા હોય છે. 14મી જાન્યુઆરીને મકરસંક્રાંતિનો તહેવાર પક્ષીઓ માટે મોત બનીને આવે છે. આ તહેવારના દિવસે દિવસભર સુરતીઓ પતંગ ચગાવીને પોતાની આનંદની મજા માણે છે. ત્યારે તેના બીજા દિવસથી જ સંપૂર્ણ શહેરભરમાં વૃક્ષો પર જ્યાં ત્યાં દોરાઓ ફસાયા હોય તેઓમાં પક્ષીઓ ભેરવાઈ જાય છે. આવા પક્ષીઓના અકાળે મોત થઈ રહ્યા છે. પક્ષીઓના વ્હારે સમાજસેવી ધર્મેશભાઈ ગામીએ અગાઉ ઉતરાયણના પર્વની ઉજવણી બાદ વાસી ઉત્તરાયણના દિવસે સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ કર્યો હતો.
જેમાં સુરતીવાસીઓ તેના આસપાસના વિસ્તારમાં કે વૃક્ષો અથવા અન્ય જગ્યા પર દોરા ફસાયા હોય તે દોરાઓ એકત્ર કરીને એક સમાજપ્રેમી તરીકે કાર્ય કરે. પરંતુ આ બાબતના મેસેજને લઈને અમુક લોકોમાં પણ જાગૃતતા જોવા મળી ન હતી. હાલ શહેરમાં ઘણા વૃક્ષો પર દોરાઓ ફસાઈ ગયા છે. જેમાં પક્ષીઓ ભેરવાઈ રહ્યા છે અને તેઓનું મોત પણ થઈ રહ્યું છે. ત્યારે ધર્મેશભાઈ ગામી દ્વારા શહેરભરમાં વૃક્ષો પર ફસાયેલા દોરાઓને દૂર કરવામાં આવે તેને લઈને મનપા કમિશનરને વિનંતી કરવામાં આવી છે.