સુરતમાં વીકેન્ડમાં જામશે પતંગોનું આકાશી યુદ્ધ : ઊંધિયા પુરીની પણ જ્યાફત ઉડશે
ઉતરાયણને (Uttrayan )માત્ર ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે સુરતી (Surties )લાલાઓ પતંગ (Kites )અને દોરીની ખરીદી માટે બજારોમાં ઉમટી પડ્યા છે. ૧૪ અને ૧૫ તારીખ બે દિવસ રજાના માહોલ વચ્ચે સુરત શહેરમાં સુરતી લાલાઓ ધામધૂમથી ઉતરાયણની ઉજવણી કરશે. હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે બંને દિવસ સારો પવન ફૂંકાવાની શક્યતા .છે જેના કારણે સુરતી લાલાને પતંગ ઉડાડવાની પણ અલગ જ મજા આવશે. ઉલ્લેખનીય છે કે દર વર્ષે ઉતરાયણના તહેવારમાં સવારમાં સારો પવન રહ્યા બાદ બપોર પછી પવન ઓછો થયા ઓછો થતો હોય છે અને વળી સાંજે પવન ફૂંકાતા પતંગ રસિયાઓમાં ખુશીનો માહોલ જોવા મળતો હોય છે. ત્યારે આવતીકાલે સવારથી પણ પતંગ રસિયાઓ અગાસી પર જોવા મળશે.
સુરતીલાલાઓ કોઈ પણ તહેવાર હોય તેને ધામધૂમથી ઉજવે છે. ઉતરાયણ, ધુળેટી, જન્માષ્ટમી અને દિવાળી જેવા તહેવારોની સુરતીઓ દ્વારા ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવે છે. આવતીકાલે ઉતરાયણનો પર્વ છે. ત્યારે સુરતીઓમાં અત્યારથી જ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. છેલ્લી ઘડીએ પતંગ બજારોમાં પતંગની ખરીદી માટે લોકોની ભીડ જોવા મળી રહી છે. આ ઉપરાંત દોરી ઘસાવનાર માંજા વાલાને ત્યાં પણ ખૂબ જ મોટી પ્રમાણમાં લોકોની લાંબી લાઈનો જોવા મળે છે.
ઉલ્લેખનીય છે કે હવે ઉતરાયણ ના પર્વમાં પહેલા જેવી મજા નથી પરંતુ આજે પણ ઘણા એવા લોકો છે કે જે ઉતરાયણના પર્વને ધામધૂમથી ઉજવે છે. વહેલી સવારથી જ લોકો : આગાસી પર ડીજેના સેટ ગોઠવીને ગીતોના સંગાથે પતંગ ઉડાવીને ઉતરાયણ ની મજા માણતા હોય છે. ખાસ કરીને કાયપો જ છે અને લપેટની ચિચિયારીઓ સાથે ડીજેમાં ગીતો વાગતા હોય છે અને પતંગ રસીયાઓ ધામધૂમથી ઉજવણી કરતા હોય છે. ત્યારે બીજી બાજુ તેમના પરિવાર પણ સવારથી જ તલ સાંકળી, મમરાના લાડુ પણ ખાતા હોય છે.
શહેરમાં ઊંધિયાના સ્ટોલ લાગ્યા :
ઊંધિયાનું વેચાણ થતું પણ જોવા ઢોલ લાગ્યા સુરતીઓમાં ઉતરાયણના દિવસે ઊંધિયું ખાવાનો અનેરો ઉત્સાહ જોવા મળે છે. જેથી આવતીકાલે શહેરમાં બે દિવસ માટે ઠેર ઠેર મળશે. હોટલ, રેસ્ટોરન્ટો સાથે રસ્તાઓ પર પણ અનેક જગ્યાઓએ ઊંધિયાના સ્ટોલ જોવા મળે છે અને સવારથી જ ઊંધિયા માટે લોકોની લાંબી લાઈનો પણ જોવા મળતી હોય છે. ઉલ્લેખનીય છે કે શહેરમાં ઠેર ઠેર છેલ્લા એક સપ્તાહથી સ્ટોલ લાગી ગયા છે અને લોકોએ એડવાન્સમાં પણ ઊંધિયા માટે બુકીંગ કરાવી લીધું છે.
બાઈક સવારો માટે તમામ ઓવરબ્રિજ બે દિવસ બંધ :
સુરત શહેરમાં બે દિવસ માટે ઉતરાયણને લઈને પોલીસ કમિશનર દ્વારા અને મ્યુનિસિપલ કમિશનર દ્વારા શહેરના તમામ ઓવરબ્રિજ બાઇક સવારો માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બંને દિવસ માટે બાઈક સવાર લોકો બ્રિજ ઉપર જઈ શકશે નહીં. સુરત શહેરના કુલ 114 જેટલા ઓવરબ્રિજ ઉપર કાર, ટેમ્પો સહિતના માત્ર મોટા વાહનોને જ પ્રવેશ આપવામાં આવશે. દરેક બ્રિજના નાકે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવશે.
ચાઈનીઝ દોરી સામે સઘન કાર્યવાહી રંગ લાવશે?
દર વર્ષે પોલીસ દ્વારા શહેરભરમાં ચેકિંગની કામગીરી કરી ચાઈનીઝ દોરી અને ચાઈનીઝ બલુનો વેચતા લોકો સામે સઘન કાર્યવાહી કરવામાં આવે છે. આ વર્ષે પણ સુરત પોલીસ દ્વારા અનેક અલગ અલગ વિસ્તારોમાં ચાઈનીઝદોરી નું વેચાણ કરતા વેપારીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. જોકે દર વર્ષે પોલીસની આ કામગીરી બાદ પણ શહેરમાં અનેક લોકો ચાઈનીઝની દોરીથી પતંગ ચગાવતા હોય છે. ત્યારે આ વખતે સુરત પોલીસ દ્વારા વધુ સઘન કાર્યવાહી કરવામાં આવી છે.
પક્ષીઓને બચાવવા અલગ અલગ સંસ્થાઓ મેદાનમાં
સંસ્થાઓ મેદાનમાં એક તરફ પતંગ રસિયાઓ પોતાની મસ્તી માં ઘેલા બની પતંગ ઉડાવતા હોય છે ત્યારે બીજી બાજુ આકાશમાં વિહરતા પક્ષીઓ માટે જીવનું જોખમ ઊભું થતું હોય છે. સુરત શહેરમાં અનેક અલગ અલગ સંસ્થાઓ દ્વારા પક્ષીઓને બચાવવાનું રાહત કાર્ય પણ હાથ ધરવામાં આવ્યું છે. વિવિધ સંસ્થાઓ દ્વારા કર્મચારીઓ દ્વારા સતત શહેરમાં દોડતા રહી ઈજાગ્રસ્ત પક્ષીઓની સારવાર કરશે.