રખડતા કુતરાઓને કારણે લોકો મોર્નિંગ વોક પર જઈ શકતા નથી : ગુજરાત હાઇકોર્ટ
મંગળવારે, હાઇકોર્ટે (High court) ગુજરાતના કેટલાક શહેરોમાં રખડતા કૂતરાઓના(Dogs) ત્રાસ અંગેની જાહેર હિતની અરજી પર સુનાવણી કરી અને કહ્યું કે રખડતા કૂતરાઓના ત્રાસને કારણે લોકો મોર્નિંગ વોક માટે જઈ શકતા નથી. કોર્ટે એમ પણ કહ્યું હતું કે રખડતા કૂતરાઓના ત્રાસને અટકાવવો એ કોર્પોરેશનની પ્રાથમિક જવાબદારી છે.
મંગળવારે ગુજરાત હાઈકોર્ટમાં રખડતા કૂતરાઓના ત્રાસ અંગે દાખલ કરાયેલી જાહેર હિતની અરજીની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. એકલા અમદાવાદમાં જ રખડતા કૂતરા કરડવાના 60,000 થી વધુ કેસ નોંધાયા હોવાની માહિતી પણ આપવામાં આવી હતી. આ ઉપરાંત ગુજરાતના અલગ-અલગ શહેરોમાં આંકડા પણ ખૂબ ઊંચા છે.
કોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પૂછ્યું – ઔપચારિક પક્ષકાર કેવી રીતે?
ત્રણ વર્ષ પહેલા રખડતા કૂતરાઓની સમસ્યાને લઈને એક જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. જોકે આ કેસમાં સુનાવણી ચાલી રહી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કોર્ટને જણાવ્યું કે તેઓ આ મામલામાં માત્ર ઔપચારિક પક્ષકારો છે. જેના પર કોર્ટે કહ્યું કે તેઓ ઔપચારિક પક્ષકાર કેવી રીતે બની શકે? રખડતા કૂતરાઓનો ત્રાસ અટકાવવો એ કોર્પોરેશનની પ્રાથમિક જવાબદારી છે.
હવે આ મામલે 17 એપ્રિલે સુનાવણી થશે
ગુજરાત હાઈકોર્ટે આ મામલામાં સુપ્રીમ કોર્ટના સ્ટેના કારણે કેસની સુનાવણી મુલતવી રાખી હતી. AMC અને સરકારે આગામી તારીખે જવાબ આપવો પડશે. આ કેસની આગામી સુનાવણી 17 એપ્રિલે થશે.