ફરી વખત વિવાદમાં આવ્યો મેયરનો બંગલો, વિપક્ષ દ્વારા લગાવવામાં આવ્યા આ આક્ષેપો
સુરત મહાનગર પાલિકા દ્વારા શહેરના પ્રથમ નાગરિક એવા મેયર માટે બનાવવામાં આવેલ બંગલો યેન કેન વિવાદનું કેન્દ્ર બની રહ્યો છે. બેફામ ખર્ચને કારણે ચર્ચાનું કેન્દ્ર બનતાં આ બંગલા માટે હવે સિક્યુરિટી સહિતની સુવિધા પાછળ વર્ષે દહાડે 26 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ સાથે આજે વિરોધ પક્ષના કોર્પોરેટર મહેશ અણધડ દ્વારા મેયર બંગલાની બહાર જ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
આ સંદર્ભે વધુ માહિતી આપતાં આપના કોર્પોરેટર મહેશ અણધડે જણાવ્યું હતું કે, મેયરના બંગલામાં સિક્યુરિટી અને ગાર્ડનિંગ સહિતની સુવિધાઓ પાછળ વર્ષે 27 લાખ રૂપિયા જેટલો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. જેમાં મનપાના ચાર માર્શલને વર્ષે 12.32 લાખનો પગાર ચુકવવામાં આવે છે. આ સિવાય ચાર ખાનગી સિક્યુરિટી ગાર્ડને પણ 9.21 લાખ ચુકવવામાં આવે છે. આ સિવાય મનપાના જ ગાર્ડન વિભાગના બેલદાર પાછળ ચાર લાખ અને એક લાખ રૂપિયા લાઈટ બિલ પાછળ વાપરવામાં આવ્યા છે. આ સિવાય મેઈન્ટેનન્સ સંદર્ભે માહિતી પૂછવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા માહિતી છુપાવવામાં આવી હોવાનો આક્ષેપ પણ મહેશ અણધડ દ્વારા કરવામાં આવ્યો હતો.
મહેશ અણધડે લાઈટ બિલ અંગે માહિતી છુપાવવામાં આવતી હોવાનો આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, મેયર બંગલાની અંદર વીજ બિલને લઈને પુરો ખર્ચ કેટલો કરવામાં આવે છે તેની માહિતી આપવામાં આવી નથી અને આ સિવાય મહિને માત્ર આઠ હજાર રૂપિયાનું લાઈટ બિલ મેયરના બંગલાનું આવે તે વાત પણ આર્શ્ચયજનક હોવાનું તેમણે જણાવ્યું હતું.