કાકાના મત વિસ્તારમાં કિચડનું પુર:સ્થાનિકોમાં તંત્ર સામે આક્રોશ
ગટારીયા પુર અને તાપીપુરનો સામનો કરી ચૂકેલા સુરતીઓએ હવે કાદવ કિચડના પૂરનો સામનો કરવાનો વારો આવ્યો છે. કારણ કે સ્માર્ટ સિટી અને મેટ્રોસિટીની હરણફાળ ભરતા સુરતમા વરાછા વિધાનસભા એટલે કે ધારાસભ્ય કુમાર કાનાણીના મતવિસ્તારની એક સોસાયટીમાં કાદવ કીચડ ફરી વળ્યો છે. સવારે નોકરી ધંધા માટે નીકળતા પુરુષો અને રસોઈની તૈયારી કરતી સ્ત્રીઓએ બધા જ કામો સાઈડ પર મૂકી કાદવ કિચડથી ઘરનો સામાન સુરક્ષિત કરવાની કવાયત કરવી પડી હતી. ત્યારે બીજી તરફ આ સમસ્યા મેટ્રોની કામગીરીને કારણે ઊભી થઈ હોવાનું જાણવા મળતા મેટ્રો પ્રોજેક્ટના એન્જિનિયર સ્થળ પર દોડી આવ્યા હતા
સુરતમાં હાલ મેટ્રોની કામગીરી ફૂલ સ્પીડે ચાલી રહી છે. અને આ કામગીરીને શહેરના મોટાભાગના રસ્તાઓ ખોદી કાઢવામાં આવ્યા છે અને તેને કારણે રસ્તેથી નીકળતા વાહન ચાલકો તો હેરાન પરેશાન થઈ જ રહ્યા છે પરંતુ આ પરેશાની હવે ઘરો સુધી પહોંચી ગઈ છે. માનવામાં આવી રહ્યું છે કે મેટ્રોની કામગીરીને કારણે કોઈ ડ્રેનેજ લાઈનમાં ભંગાણ થવાને કારણે વરાછાની વિઠ્ઠલ નગર સોસાયટીમાં કાદવ કીચડનું પુર આવી ચૂક્યું છે.જેને કારણે રહીશોએ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.
વરાછા હીરાબાગની વિઠ્ઠલ નગર સોસાયટીમાં કાદવ કિચડનો જ્વાળામુખી ફાટી નીકળ્યો છે. ડ્રેનેજ લાઈન માંથી આ ગંદકી બહાર આવતા આખે આખી સોસાયટીમાં કાદવ કિચડ થઈ ઉઠ્યો છે. એટલું જ નહીં લોકોના ઘરમાં કિચનના બેઝિંગ પર અને બાથરૂમમાં પણ આ કિચળ ઉભરાઈ રહ્યો છે. ભારે દુર્ગંધ વચ્ચે ઘરોમાં અને સોસાયટીમાં કાદવ કિચન ફરી વળતા સ્થાનિકો પોતાના સર સામાનને સગેવગે કરવા લાગ્યા છે. એટલું જ નહીં પરંતુ રહીશોમાં રોષ ફાટી નીકળ્યો છે.અંગે સ્થાનિક રહીશો સાથે વાત કરતા તેઓએ સુરત મનપા સામે આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે મેટ્રોની કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટરની બે જવાબદારીને કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે.
161 વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણી પોતાના વિસ્તારને સ્માર્ટ બનાવવા, તેમના વિસ્તારની સુવિધાઓ અને સમસ્યા માટે અવારનવાર પોતાની જ સરકાર સામે અવાજ ઉઠાવતા જોવા મળે છે. અને તેને લઈને તેઓ હંમેશા ચર્ચામાં પણ આવતા રહે છે ત્યારે હવે તેમના જ મતવિસ્તારમાં વિસ્તારમાં મેટ્રો લાઇન પસાર થનાર હોય હાલ તેની કામગીરી પુર જોશ માં ચાલી રહી છે.પરંતુ મેટ્રો શરૂ થાય તે પહેલા કાકાના આ અરમાનો પર કાદવ ફરી વળ્યો છે. ત્યારે આ મુદ્દે અને સ્થાનિકોને થયેલી હેરાનગતિને લઈ કુમાર કાનાણી શું એક્શન લે છે તે પણ એક સવાલ ઉભો થયો છે.