સુરત એરપોર્ટથી ગોવાની ફ્લાઇટ બંધ અને સપ્ટેમ્બરથી દુબઈની ફ્લાઇટ શરૂ થવાની તૈયારી ?
સુરત એરપોર્ટ(Airport) પરથી દુબઈ માટે ડાયરેક્ટ ફ્લાઈટ(Flight) શરૂ થશે. ઇન્ડિગો એરલાઈન્સ (Airlines) આ ફ્લાઈટ શરૂ કરે એવી સંભાવના છે. ઇન્ડિગોને દુબઈમાં સ્લોટ મળી ગયો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. એર લાઈન્સ સપ્ટેમ્બરથી ફ્લાઈટ શરૂ કરશે. એરપોર્ટ સાથે સંકળાયેલા આધારભુત સૂત્રોના જણાવ્યા અનુસાર, સુરતથી દુબઈ અને ત્યાંથી આખી દુનિયામાં પ્રવાસ કરનારાઓની સંખ્યા બહુ છે. ડોમેસ્ટિક પેસેન્જર પણ વધી રહ્યા છે. સુરતીઓની માંગ રહી છે કે સુરતથી દુબઈ, સિંગાપોર અને બેંગકોકની ફ્લાઈટ શરૂ કરવામાં આવે. સુરતના વેપાર અને ઉદ્યોગજગતે પણ વારંવાર દુબઈ સહિતના ઇન્ટરનેશનલ ડેસ્ટિનેશન માટે ફ્લાઈટ શરૂ કરવા માંગ કરી હતી. ઇન્ડિગો એર લાઈન્સ હવે દુબઈની ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ કરવા જઈ રહી હોવાનું બિનસત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે. એરલાઈન્સને દુબઈમાં સ્લોટ મળી ગયો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. આગામી સપ્ટેમ્બર મહિનાથી એરલાઈન્સ દુબઈ માટે ફ્લાઈટ શરૂ કરી શકે છે.
હાલ માત્ર સુરત-શારજાહ ફ્લાઈટ ચાલે છે અને તે પણ અઠવાડિયામાં બે વખત
સુરતથી વિદેશ જનારાઓની સંખ્યા બહુ મોટી છે. પરંતુ હાલમાં સુરતથી માત્ર શારજાહ માટે ફ્લાઈટ છે અને તે પણ માત્ર અઠવાડિયામાં બે દિવસ છે. છતાં તેને સારો પ્રતિસાદ મળે છે. શારજાહથી અન્ય ડેસ્ટિનેશન પર સહેલાઈથી જઈ શકાતું નથી. ત્યારે દુબઈ એરપોર્ટ પરથી દુનિયાના લગભગ તમામ દેશોમાં સીધુ જઈ શકાય છે. સુરતથી દુબઈની ફ્લાઈટ શરૂ થતા એરલાઈન્સના અન્ય જે એરલાઈન્સ સાથે કોડશેર હશે તેના માધ્યમથી દુનિયાના કોઈ પણ દેશમાં સહેલાઈથી જઈ શકાશે. તેનો લાભ સુરતના ઇન્ડસ્ટ્રીને પણ ચોક્કસ મળશે.
ગલ્ફના દેશો સાથેનો સુરતનો મોટો વેપાર દુબઈથી જ થાય છે
આગેવાન કાનજીભાઈ ભાલાળાએ જણાવ્યું હતું કે, ગલ્ફના દેશોમાં સુરતથી કાપડ જાય છે. તે તમામ કાપડ વાયા મુબઈ-દુબઈ જાય છે. સુરતથી દુબઈની સીધી ફ્લાઈટ શરૂ થશે તેનો સીધા લાભ સુરતને થશે. ઉપરાંત હીરા ઉધોગમાટે પણ દુબઈ સાથેની કનેક્વીટી બહુ જરૂરી છે. ચેમ્બર પ્રમુખ આશિષ ગુજરાતીએ જણાવ્યું છે કે દુબઈથી 90 દેશોમાં ફેબ્રિક્સ જાય છે. તેનો સીધા લાભ સુરતને મળશે.ઉપરાંત દુબઈમાં જેમ્સ જ્વેલરી અને ડાયમન્ડને લગતા એક્ઝિબિશન અને ઓક્શન દુબઈમાં થતા હોય છે. તેમાં સુરતની પાર્ટીઓ ભાગ લેતી હોય છે. જો સીધી ફ્લાઈટ શરૂ થાય તો સુરતના વેપાર-ઉધોગને બહુ ફાયદો થશે.
ગોવાની ફ્લાઇટ બંધ
જોકે આ બધાની વચ્ચે એક સમાચાર એવા પણ આવી રહ્યા છે કે સુરતીઓના ફેવરિટ ડેસ્ટિનેશન એવા ગોવા ની ફ્લાઇટ સ્પાઇસ જેટ દ્વારા બંધ કરી દેવામાં આવી છે. હાલ સુરત એરપોર્ટ પર સ્પાઇસ જેટની એકપણ ફ્લાઇટ ઓપરેટ થતી નથી. હવે શિડ્યુલ ફ્લાઈટની સંખ્યા પણ ઘટીને 10 થઇ ગઈ છે.